News of Saturday, 28th June 2025
ડાકોરમાં 'જય રણછોડ… માખણ ચોર...' નો જયઘોષ ગુંજ્યો : ભગવાન રણછોડરાયની 253મી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર
બળદગાડામાં બેસીને ભગવાન રણછોડરાય નગરચર્યા માટે 12 કિલોમીટર લાંબા માર્ગ પર નીકળ્યા : ભક્તોની ભક્તિ, સમર્પણ અને ધર્મપ્રેમથી સમગ્ર ડાકોરધામમાં આસ્થા અને શ્રદ્ધાનો માહોલ છવાયો

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરધામ ખાતે સર્જાયું હતું, જ્યાં ભગવાન રણછોડરાયજીની 253મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ અને શ્રદ્ધા સાથે સમગ્ર ડાકોર ધામ ગુંજાઈ ઉઠ્યું છે. આ પવિત્ર અવસરે ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે ડાકોર ધામ ભક્તિમય બની ગયું છે.
પવિત્ર દિવસે ભગવાન રણછોડરાયજીના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજને શણગાર કરી રથમાં બિરાજમાન કરાયા છે અને મંદિર પરિસરમાં 11 પરિક્રમા પૂરી કરીને રથયાત્રા માટે નીકળી પડ્યા છે. બળદગાડામાં બેસીને ભગવાન રણછોડરાય નગરચર્યા માટે 12 કિલોમીટર લાંબા માર્ગ પર પ્રસ્થાન કર્યું છે.
ભગવાનના દર્શન માટે હજારો ભક્તો દુર-દુરથી આવી પહોંચ્યા છે. ભક્તોની ભક્તિ, સમર્પણ અને ધર્મપ્રેમથી સમગ્ર ડાકોરધામમાં આસ્થા અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો છે. ભગવાનના માર્ગમાં સ્થિત તમામ મંડપો પર વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને પૂજા-અર્ચના સાથે ભક્તો ભગવાનનું વધામણું કરી રહ્યા છે.
આજના સમગ્ર દિવસ દરમિયાન ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા રહેશે. સાંજના 7 વાગ્યા બાદ ભગવાન લક્ષ્મીજી મંદિર ખાતે પહોંચશે અને ત્યાંથી નિજમંદિર બહાર ભગવાનની પારંપરિક ‘ઇન્ડી પિંડી’ વિધિ ભવ્ય રીતે કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન નિજમંદિરમાં બિરાજમાન થઈ ભક્તોને આશીર્વાદ આપશે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
