<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

યાત્રાધામ કુબેર ભંડારી મંદિરનો વિવાદ હવે વધુ વકર્યો વરિષ્ઠ ટ્રસ્ટી પરીંદુ ભગત 'કાકુજી' એ રાજીનામુ આપ્યું

કાકુજીએ સ્વાસ્થ્યના કારણો દર્શાવતા ડાયરેક્ટ ચેરીટી કમિશનરને રાજીનામું સોપ્યું: અનેકવિધ અટકળ

સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિરનો વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે. મંદિરના વરિષ્ઠ ટ્રસ્ટી પરીંદુ ભગત, જેને સૌ કાકુજી તરીકે ઓળખે છે, તેમણે આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કાકુજીએ સ્વાસ્થ્યના કારણો દર્શાવતા ડાયરેક્ટ ચેરીટી કમિશનરને રાજીનામું સોપ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ આખો મામલો માત્ર સ્વાસ્થ્ય પૂરતું જ છે કે પછી અંદરખાને ચાલી રહેલા વિવાદની અસર છે?

 

છેલ્લા છ મહિનાથી કુબેર ભંડારી મંદિરનું વાતાવરણ વિવાદાસ્પદ બન્યું છે. મંદિરમાં પરંપરાગત રીતે પૂજા વિધિ સંભાળતા પુજારીઓ અને પંચાયતી અખાડાના કેટલાક ટ્રસ્ટીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. આ ઘર્ષણ એટલું ઊગ્ર બન્યું કે ટ્રસ્ટીઓ દ્વારા બહારથી બાઉન્સરો બોલાવવામાં આવ્યા અને પરંપરાગત પુજારીઓને મંદિર પરિસરમાંથી ધક્કા મારી કાઢી મુકવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ ભક્તો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

 

પરંપરાગત પૂજારીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને આખરે તેઓ કાયદેસર રીતે કેસ જીતી ગયા હતા. છતાં મંદિર સંચાલન પર પ્રશ્નચિહ્ન યથાવત્ રહ્યાં. હવે કાકુજીના રાજીનામા બાદ ટ્રસ્ટની અંદર નવી હલચાલ શરૂ થઈ છે. કાકુજીના રાજીનામા પછી મંદિરના સંચાલનમાં અને ટ્રસ્ટની આંતરિક રાજકારણમાં કઈ નવી દિશા આવે છે, એ જોવું રહેશે. ભક્તો માગ કરી રહ્યા છે કે મંદિર સંચાલનમાં પારદર્શકતા અને શાંતિ પુનઃસ્થાપિત થાય.

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટી કાકુજી વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી. મંદિરના સંચાલન અને પરંપરાગત પૂજારી વિવાદમાં બંને સામસામે હતા, હવે કાકુજીના રાજીનામા બાદ રાજકારણમાં નવી ચર્ચા જાગી છે.

(1:47 PM IST)