<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

એક તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને બીજી તરફ વિદ્યાર્થીઓ જીવના જોખમે નદીને પાર કરીને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા

બનાસકાંઠાના અમીરગઢમાં શાળાએ જતા બાળકોની મુશ્કેલીમાં વધારો થયો : કાકવાડા ગામે બનાસ નદીનું પાણી કેડ સમા આવતા વાલીઓએ બાળકોને ખભે ઊંચકીને રસ્તો પાર કરાવ્યો :ઉના તાલુકામાં ચાલુ શાળાએ છત પરથી પોપડા પડ્યા

અમદાવાદ તા.૨૮ : રાજ્યભરમાં અત્યારે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજાઇ રહ્યો છે. આજે શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ છે અને મુખ્યમંત્રી સહિત મોટાભાગના મંત્રીઓ અને નેતાઓ વિવિધ જગ્યાએ બાળકોને શાળા પ્રવેશ કરાવી રહ્યાં છે ત્યારે બાસકાંઠાના અમીરગઢમાં બાળકોને શિક્ષણ મેળવવા માટે જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યાં છે. 

બનાસકાંઠાના અમીરગઢમાં શાળાએ જતા બાળકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કાકવાડા ગામે બનાસ નદીનું પાણી કેડ સમા આવતા વાલીઓએ બાળકોને ખભે ઊંચકીને રસ્તો પાર કરાવ્યો.એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે ત્યારે ગુજરાતના ગામડાની આ પણ એક વરવી વાસ્તવિકતા છે. જેમાં શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યાં છે. મહત્વનું છે કે બનાસ નદીના સામેના છેડે કાકવાડા સહિતના અનેક ગામડાઓ છે. નદીમાં પાણી આવતા સામા કાંઠે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ પશુપાલનનો વ્યવસાય કરતાં લોકોને પણ માથે દૂધ ઉપાડીને પસાર  થવું પડે છે. 

રાજ્યમાં અન્ય જગ્યાઓએ પણ છે આવી પરિસ્થિતિ

આ તરફ ગીર સોમનાથના ઉના તાલુકામાં ચાલુ શાળાએ છત પરથી પોપડા પડ્યા. લેરકા પ્રાથમિક શાળાના ઓરડામાં પ્રવેશોત્સવ સમયે અધિકારીઓની હાજરીમાં વિધાર્થીઓ પર છત પરથી પોપડા પડ્યા હતા. જેમાં 2 જેટલા વિધાર્થીઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીઓ છકડા રિક્ષામાં લટકતા હોવાનો વીડિયો વાયરલ થયો. દેવલીયાથી તેજગઢ  વિદ્યાર્થીઓ જઈ રહ્યા હતા. એક તરફ બાળક શિક્ષણ મેળવે તે માટે પ્રવેશોત્સવ થઇ રહ્યા છે. તો બીજી બાજુ સુવિધાઓના અભાવના કારણે લોકોમાં રોષ છે.

(3:57 PM IST)