News of Saturday, 28th June 2025
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ત્રીજો દિવસ : બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતરની ઉજવણી!
ગાંધીનગરના ચંદ્રાલામાં મુખ્ય સચિવ પંકજ જોશીએ ધો-૯ અને ધો-૧૧ના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો : સાયન્સ વિષયમાં વધુ જોડાવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ!

વિજય વસાણી દ્વારા, ગાંધીનગર, તા. ૨૮ : સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ના તૃતીય દિવસે, ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ ૯ તથા ૧૧ ના બાળકોને તેમના કારકિર્દીના ઘડતર સ્વરૂપ કેડી પર ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. મુખ્ય સચિવ સહિત મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા કિશોરોને સ્નેહભેર આવકાર આપીને ઉત્તમ ભવિષ્ય અને તેમની સર્વશ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ચંદ્રાલાના જ્યોતિ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો પણ આ તકે મુખ્ય સચિવે શાળા જીવનમાં પ્રવેશ કરાવ્યો હતો.
શિક્ષણ એ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી: મુખ્ય સચિવ પંકજ જોશી
આ અવસરે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજથી બે દાયકા પૂર્વે એક નાના વિચાર સાથે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સમાજનો ઉત્સવ બની ગયો છે. તેમણે યાદ અપાવ્યું કે, વર્ષ ૨૦૦૨-૦૩ માં વડાપ્રધાન (તત્કાલિન મુખ્યમંત્રી) દ્વારા આ પ્રવેશોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી, જેની આજે આપણે ૨૩ માં વર્ષની સફળતાપૂર્વક ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ એ કોઈ એક વિભાગ કે માત્ર શિક્ષકોની નહીં, પણ સમગ્ર સમાજની જવાબદારી છે. એટલે જ પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર અને સમાજની સંયુક્ત જવાબદારી સમાજના દરેક વ્યક્તિને શિક્ષણ સાથે જોડવાની અને શૈક્ષણિક પ્રવાહમાં લાવવાની છે. પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ માનવતા ભર્યા મહાયજ્ઞ થકી અત્યાર સુધીમાં આપણને સારા અને સુખદ પરિણામો મળ્યા છે. આવા કાર્યક્રમો થકી સો ટકા નામાંકન ઉપરાંત હવે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થવાની આરે પહોંચી ચૂક્યો છે.
સાયન્સમાં જોડાવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ
ત્યારે કિશોરોને પ્રવેશ આપતા મુખ્ય સચિવે ઉમેર્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. માટે નિયમિત શાળાએ આવવા સૂચન કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર નજીક ગિફ્ટ સિટી જેવું હબ જ્યારે આટલી બધી વિપુલ તકો નોકરી માટે ઊભી કરી રહ્યું હોય, ત્યારે મહેનતથી અભ્યાસ કરો તથા સાયન્સ વિષયમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ સારી કારકિર્દી પસંદ કરે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.
તદુપરાંત, વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવી અપીલ કરતા મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિના કારણે અભ્યાસક્રમ છોડી દે છે, તેમના માટે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની ઘણી યોજનાઓ શરૂ કરાઈ છે, જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના, કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો સમાવેશ થાય છે.
તેજસ્વી તારલાઓનું સન્માન અને ઉપસ્થિત મહાનુભાવો
આ શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત શાળામાં શૈક્ષણિક જરૂરિયાતો માટે છુટા હાથે દાન કરતા દાતાશ્રીઓ સહિત શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિમાં આગળ પડતા તેજસ્વી તારલાઓ ઉપરાંત જ્ઞાન સાધના અને જ્ઞાનસેતુ જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાર્દિક સતાસિયા, જિલ્લા પંચાયતના સદસ્ય દિલીપભાઈ પટેલ સહિત સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
