News of Saturday, 28th June 2025
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ : ખેરાલુના મહાદેવપુરા, મલેકપુર અને બળાદ ગામે ધામધૂમથી ઉજવણી!
ધારાસભ્ય સરદાર ચૌધરી અને માહિતી નિયામક કે. એલ. બચાણીની ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો : શિક્ષણને જીવનનો ચમત્કાર ગણાવ્યો!

વિજય વસાણી દ્વારા, ગાંધીનગર, તા. 28 : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ના ત્રીજા દિવસે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં શિક્ષણના પાયા મજબૂત કરવાના ઉદ્દેશ્યથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી અને માહિતી નિયામક કે. એલ. બચાણીની ઉપસ્થિતિમાં મહાદેવપુરા પ્રાથમિક શાળા, મલેકપુર પ્રાથમિક શાળા અને બળાદ ખાતે ચૌધરી પી.જી. આર. હાઈસ્કૂલમાં બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આધુનિક શાળાઓ અને શિક્ષણનો ચમત્કાર
આ પ્રસંગે ધારાસભ્ય સરદાર ચૌધરીએ જણાવ્યું કે, ભૂતકાળમાં શાળાઓમાં પૂરતી સુવિધાઓ ન હતી, પરંતુ વર્તમાન વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી શાળાઓમાં માળખાકીય સુવિધાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આજની શાળાઓ ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક થઈ રહી છે."
માહિતી નિયામક કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ જેવા મહાયજ્ઞના પ્રોત્સાહક પરિણામો આજે બાળકોના માતા-પિતા સહિત સમગ્ર સમાજને મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, શિક્ષણ એ વિદ્યાર્થીઓના જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે અને આવી યોજનાઓનો મહત્તમ લાભ લઈને પોતાના સંતાનોનું શિક્ષણ સુનિશ્ચિત કરવું એ સૌ મા-બાપની જવાબદારી છે.
માહિતી નિયામકે વધુમાં જણાવ્યું કે, પોતાના ગામની શાળાને આદર્શ શાળા બનાવવા માટે શિક્ષકોએ અને SMC કમિટીએ શાળા શિક્ષણકાર્યને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં વધુને વધુ પ્રયાસો થાય તેવા આયોજનોને પ્રોત્સાહન આપવું જોઈએ.
તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને કાર્યક્રમની શોભા
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના તેમજ સમાજ ઉપયોગી વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્થાનિક અગ્રણીઓ, દાતાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
