<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

નશા માટે રૂપિયા નહિ આપતા પુત્રએ ઘડ્યો હત્યાનો પ્લાન : પરિવારની હાજરીમાં ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા

વાડજમાં નિર્ણયનગર પાસે રામ પ્રતાપ નગર સોસાયટીમાં ઘરમાં પોતાની પાસે સુઈ રહેલા પિતા દુર્ગારામ મેઘવાલને ચપ્પુથી 9 જેટલા ઘા માર્યા :બહેન લતાના વાળ ખેંચી માર માર્યો હતો અને તરુણાબેનને ચપ્પુથી માથામાં હુમલો કરતા ચપ્પુ તેના માથામાં ઘૂસી જતા ફસાઈ ગયું

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. વાડજ વિસ્તારમાં એક 25 વર્ષના યુવકે પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. પરિવારના સભ્યોની હાજરીમાં જ યુવકે ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા પિતાનું ઘરમાં જ મોત થયું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પુત્રની ધરપકડ કરી છે.

   દિલીપ દુર્ગારામ મેઘવાલ નામના યુવકે તેના જ પિતાની હત્યા કરી નાખતા તેની ધરપકડ કરવામાં આવી છે. 27 મી જુનના રોજ એક તરફ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમતી ઉજવવામાં આવી હતી ત્યારે તે જ દિવસે વહેલી સવારે 5:00 વાગે વાડજમાં નિર્ણયનગર પાસે આવેલા રામ પ્રતાપ નગર સોસાયટીમાં આ આરોપીએ ઘરમાં પોતાની પાસે સુઈ રહેલા તેના પિતા દુર્ગારામ મેઘવાલને ચપ્પુથી 9 જેટલા ઘા માર્યા હતા. જેના કારણે બુમાબુમ થતા આરોપીની બે બહેનો લતાબેન અને તરુણાબેન તેમજ નાનો ભાઈ નિખિલ અને તેની માતા જમકુબેન દુર્ગા રામને બચાવવા વચ્ચે પડ્યા હતા.  

  દિલીપે તેની બહેન લતાના વાળ ખેંચી તેને માર માર્યો હતો અને તરુણાબેનને ચપ્પુથી માથામાં હુમલો કરતા ચપ્પુ તેના માથામાં ઘૂસી જતા ફસાઈ ગયું હતું. જે બાદ નિખિલ મેઘવાલે તેને પકડી બાલ્કની પાસે ઉભો રાખ્યો હતો અને 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ત્યાં પહોંચતા જ જોતા દુર્ગારામ મેઘવાલનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે વાડજ પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. 

આરોપી દિલીપ મેઘવાલ રાજસ્થાનના જયપુરમાં આર્યા કોલેજ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો પરંતુ વારંવાર નાપાસ થવાથી ભણવાનું મૂકી દીધું હતું. જે બાદ તે કોઈ કામ ધંધો કરતો ન હોય અને નશાની ટેવ ધરાવતો હોવાથી પિતા પાસે વારંવાર પૈસાની માંગણી કરતો હતો. દુર્ગારામ મેઘવાલ તેને રૂપિયા આપતા ન હોવાથી તેણે પિતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. રાતના સમયે જ તેણે પોતાની પાસે ચપ્પુ રાખ્યું હતું અને સવાર પડતાની સાથે જ પિતાની હત્યા કરી નાખી હતી. આ મામલે હાલ તો વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. તેવામાં આરોપીની તપાસમાં હત્યા પાછળનું કારણ રૂપિયાની માંગણી જ સામે આવે છે કે અન્ય કોઈ તે તો આવનાર સમય જ બતાવશે.

(7:19 PM IST)