<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

હવે શું બાકી રહ્યું છે ? વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્ર બાદ હવે બોગસ ફાયર NOC: અધિકારીઓ આશ્ચર્યચકિત

ફાયર એનઓસીમાં જાવક નંબર, કોર્પોરેશનનો સિક્કો અને ચલણ નંબર હતા, પરંતુ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નિકુંજ આઝાદનું નામ અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સહી !!

વડોદરામાં ફાયર બ્રિગેડના પૂર્વ ચીફ ફાયર ઓફિસરના નામે બોગસ ફાયર એનઓસી પકડાતાં ફરી એકવાર ચર્ચા ગરમાઈ છે. હરણી તળાવ પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની નકલી ફાયર એનઓસી સામે આવતાં વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ ચેકિંગ માટે મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ પહોંચી હતી, જ્યાં ત્રણ માળની આ ઇમારતમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કોમ્પ્લેક્ષની ફાયર એનઓસી તપાસતાં તે બોગસ હોવાનું બહાર આવ્યું છે. આ ફાયર એનઓસીમાં જાવક નંબર, કોર્પોરેશનનો સિક્કો અને ચલણ નંબર હતા, પરંતુ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નિકુંજ આઝાદનું નામ અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સહી જોવા મળી, જેનાથી અધિકારીઓ આશ્ચર્યચકિત થયા હતા. આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ત્યારે ચીફ ફાયર ઓફિસર દ્વારા આ મુદ્દે કડક કાર્યવાહીની કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

વડોદરા ચીફ ફાયર ઓફિસર  મનોજ પાટીલે જણાવ્યું હતું કે,  મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની નકલી એનઓસીમાં દર્શાવેલું બાંધકામ વાસ્તવિક બાંધકામ કરતાં વધુ છે. આ ઉપરાંત, વાઘોડિયા રોડ પરના અર્શ કોમ્પ્લેક્ષની નકલી એનઓસી પણ જયેશ મકવાણા નામની વ્યક્તિએ આપી હોવાનું બહાર આવ્યું છે અને મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની નકલી એનઓસી પણ તે જ વ્યક્તિએ આપી હોવાનું જાણવા મળ્યું છે. બે મહિના પૂર્વે વાઘોડિયા રોડ પરના અર્શ કોમ્પ્લેક્ષની બોગસ ફાયર એનઓસી મામલે તપાસ શરૂ થઈ હતી, અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ નોંધાઈ હતી. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને તપાસ સોંપાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. ત્યારે આ મુદ્દે હવે કોમ્પલેક્ષનાં માલિક પણ પોલીસ ફરિયાદ કરવાના મૂડમાં જણાય રહ્યા છે.

(8:07 PM IST)