News of Saturday, 28th June 2025
જૂનાગઢ હોય કે સુરત, વડોદરા, અંકલેશ્વર હોય તમામ જગ્યાએ આવેલા પૂર ભાજપ પ્રેરિત વોકળા દબાણના કારણે છે: ગોપાલ ઇટાલિયાની સટાસટી
જૂનાગઢમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના ભાજપ પર આકરા પ્રહાર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ જૂનાગઢ આવેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ હોય કે સુરત હોય, વડોદરા હોય કે અંકલેશ્વર હોય તમામ જગ્યાએ આવેલા પુર ભાજપ પ્રેરિત વોકળા દબાણને કારણે છે. તેમણે સી.આર. પાટીલ વિશે કહ્યું હતું કે, ધારાસભ્ય તોડવાની દુકાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ચલાવે છે. જ્યારે આપમાંથી રાજીનામું આપનાર ઉમેશ મકવાણા અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલને ચેલેન્જ આપી કહ્યું હતું કે, સી.આર. પાટીલમાં હિંમત હોય તો ઉમેશ મકવાણાનું રાજીનામું લઈ બોટાદમાં ચૂંટણી જીતી બતાવે.
વિસાવદર વિધાનસભામાં કલ્પનાતીત જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા મતવિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢમાં પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેવી મુશ્કેલીમાં જીત મેળવી, આ જીતથી શું ફરક પડશે, ક્યારે ઓફિસ ખોલશે, કઈ રીતે કામ કરશે, પૂરનું કારણ, અને આપના ધારાસભ્યના રાજીનામાં અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
જીતથી ગુજરાતમાં નવી ઊર્જા
વિસાવદરમાં જીતથી ગુજરાતમાં નવી ઊર્જા, નવી ચેતના જાગી છે. હજારો લોકોએ facebook, instagram twitter, whatsapp અને SMS થી શુભેચ્છા પાઠવી છે. જનતાની આવી લાગણી જિંદગીમાં મેં પ્રથમ વાર જોઈ છે. આ માટે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ગ્રામ્યના મત વિસ્તારના મતદારોનો, આપના કાર્યકરોનો અને મદદ કરનાર તમામ સમાજનો આભાર માનું છું.
સુરતમાં પુર, ભાજપ નિષ્ફળતા
સુરતમાં ખાડીમાં દર વર્ષે પૂર આવે છે જેને કારણે અનેક નાના પરિવારો હેરાન પરેશાન થઈ જાય છે. સુરતમાં આવતુ પુર ભાજપની નિષ્ફળતા છે. સુરતમાં 35 વર્ષથી ભાજપની સરકાર છે. સંસદસભ્ય, ધારાસભ્યો ભાજપના, કોર્પોરેશનમાં શાસન ભાજપનું છતાં સુરતમાં ભોગ લોકોએ બનવું પડતું હોય તો એ ભાજપની નિષ્ફળતાનું પરિણામ છે. તેમ છતાં સરકાર પાસે વ્યવસ્થા ન હોય, આગોતરું આયોજન ન હોય, ભાજપના લોકોને કોઈ ફેર પડતો ન હોય તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક બાબત છે.
સુરતથી સફળતાની શરૂઆત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સફળતાની શરૂઆત સુરતથી થઈ છે. 2022 માં સુરતમાં 27 કોર્પોરેટર આમ આદમી પાર્ટીના ચૂંટાયા હતા એટલે સુરતે પ્લેટફોર્મ આપ્યું છે.
સુરતના પૂરગ્રસ્તોની મુલાકાત લઈશ
સુરતે આમ આદમી પાર્ટીને રાજકીય રીતે પ્લેટ ફોર્મ પૂરું પાડ્યું હોય અને હાલ સુરતની જનતા ખાડીમાં આવેલ પૂરને કારણે મુશ્કેલીમાં હોય હું સુરત જવાનો છું. સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશું. પૂરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીમાં શક્ય એટલી મદદ કરીશું. સાથે કતારગામમાં ટીપીને લઈને લડાઈ ચાલે છે,જેમાં અનેક પરિવારો હેરાન થઈ ગયા છે. ત્યારે પીડિત પરિવારોની પણ મુલાકાત લઈ સધીયારો આપીશું.
ચૂંટણી ટાણેજ ભાજપ દેખાય છે
વિસાવદર ચૂંટણી સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સીએમ, મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કાર્યકરોની ફોજ હતી. પરંતુ સુરતમાં ખાડીના કારણે આવેલ પૂરમાં અનેક લોકો હેરાન પરેશાન છે તેની મુલાકાત લેવાનો ભાજપને સમય નથી. એટલે ભાજપના લોકોને માત્ર ચૂંટણીમાં જ રસ હોય માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે.
વિસાવદરમાં ઓફિસ ખુલશે
15 થી 20 દિવસમાં જ વિસાવદરમાં ધારાસભ્ય તરીકેની ઓફિસ ખુલી જશે. બાદમાં લોકોને કોઈ પણ પ્રકારની કામગીરી હોય મામલતદાર, ટીડીઓ, આરએફઓ, પોલીસ, સરકારી યોજનાના ફોર્મ ભરવા સહિતની કામગીરી કરવામાં આવશે.
ભાજપના મિત્રોએ પણ સાથ આપ્યો
ગોપાલ ઇટાલીયાની જીત બાદ જવાહર ચાવડા જિંદાબાદના લાગેલા નારા અંગે ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, મારી જીત પાછળ અનેક લોકોની મહેનત છે. ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે. ભાજપના હોય તે પણ સત્ય તો જાણતા જ હતા કે ભાજપની વિચારધારા કેવી છે ? સારા માણસોની વ્યાખ્યામાં આવે તે તમામ લોકોએ મને મદદ કરી છે. કારણ કે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધાએ ભેગા મળીને લડવાનું હોય છે.
ગુજરાતમાં તમામ પુર ભાજપ પ્રેરિત વોકળા દબાણથી
ગુજરાતના તમામ મોટા શહેરોમાં જે પુર આવે છે તે ભાજપ પ્રેરિત પૂર છે. કારણ કે જુનાગઢ હોય કે સુરત હોય વડોદરા હોય કે અંકલેશ્વર તમામ જગ્યાએ વોકળા કાઠે ભાજપ દ્વારા ગેરકાયદે દબાણ કરી બાંધકામુખડ કે દેવાયા છે જેને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા પુર ની પરિસ્થિતિ સર્જાય છે. સુરતમાં ખાડીમાં પૂર આવે છે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવે છે અને અંકલેશ્વરમાં પણ પૂર આવે છે કારણ કે ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરી વોકળા સાંકડા કરી દીધા છે. વરસાદ તો ગામડામાં પણ થાય છે તો ગામડામાં ખેમપુર નથી આવતા અને માત્ર શહેરોમાં જ પુરાવે છે ? તેનું સ્પષ્ટ કારણ છે ભાજપ દ્વારા વોકળા કાંઠે કરાયેલ દબાણ.
સી આર પાટીલને ચેલેન્જ
સી આર પાટીલ ગુજરાત ભરમાં ધારાસભ્યો તોડવાની દુકાન ચલાવે છે. કોઈપણ ધારાસભ્ય પોતાની પાર્ટીથી નારાજ થાય તેવા ધંધા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ કરે છે. મારી સી.આર. પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે,આપના ઉમેશ મકવાણાને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી બોટાદમાંથી ચૂંટણી જીતી બતાવે. ઉમેશ મકવાણાના ખંભા પર બંદૂક રાખી સી. આર. પાટીલ વિસાવદરની હારની ખીજ ઉતારી રહ્યા છે
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
