<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ઑનલાઈન ગેમિંગના રવાડે ચડતાં રૂ. 15 લાખનું નુકસાન થયું : દેવું ચૂકવવા ATM તોડતા શીખ્યા

સાકરદા-ભાદરવા રોડ પર ઇન્ડિયા વન બેંકના ATM તોડવાનો પ્રયાસ કરનાર ત્રિપુટીને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી

વડોદરા : ઓનલાઇન ગેમમાં રૂપિયા પંદર લાખનું નુકસાન થતાં દેવું થઇ ગયું હતું. જે બાદ લોનના હપ્તા ભરવા માટે ક્રાઈમ કરવાની યોજના ઘડી વડોદરા નજીક સાકરદા-ભાદરવા રોડ પર ઇન્ડિયા વન બેંકના ATM તોડવાનો પ્રયાસ કરનાર ત્રિપુટીને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

વડોદરાના મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ દિવસમાં 2 એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. ગુના શોધક શાખાની ટીમે CCTV ફૂટેજના આધારે તત્કાલ તપાસ હાથ ધરી હતી અને એક શંકાસ્પદ ઈકો વાનના આધારે 28 વર્ષીય મુખ્ય આરોપી સરફરાજ યાસીન હુસેન સૈયદને ઠેકરનાથ સ્મશાન નજીકથી ઝડપી પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, સરફરાજે ઓનલાઈન ગેમિંગમાં 15 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ દેવું ચુકવવા માટે એટીએમ તોડવાનો પ્લાન બનાવ્યો હતો. યુટ્યુબ પરથી એટીએમ તોડવાની રીત શીખી કપુરાઈ ચોકડી પાસેની ગેસ વેલ્ડીંગ શોપમાંથી જરૂરી સાધનો માટે ચોરી પણ કરી હતી. આ ત્રિપુટીએ મળી બે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો પણ સફળતા મળી ના હતી.

આ મામલામાં અન્ય બે સાગરીતો સોહમ કાલિદાસ માળી અને મનીષ મુકેશભાઈ સોલંકી ની પણ સંડોવણી બહાર આવી છે. પોલીસે ઈકો વાનમાંથી ગેસ કટર, સિલિન્ડર, કોસ અને ત્રણ મોબાઈલ કબજે કર્યા છે.

(12:22 AM IST)