News of Sunday, 29th June 2025
પાવાગઢના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ કારમાંથી અજાણ્યા યુવક અને યુવતીના મૃતદેહો મળ્યા
ઇનોવા કારનું પાસિંગ અમદાવાદનું છેઃ પોલીસે પંચનામું કરી બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.

પંચમહાલઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના બસ સ્ટેન્ડની સામે આવેલા ટેક્સી પાર્કિંગ પાર્ક કરેલી અમદાવાદ પાસિંગની કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતીની લાશ મળી આવતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડથી માંચી જવાના રોડ પર આવેલ ટેક્સી પાર્કિંગમાં બે દિવસથી અમદાવાદ પાસિંગની એક ઈનોવા કાર પાર્ક કરેલી હતી. જેનું એન્જિન ચાલુ હોવાથી સ્થાનિકોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે જોતા કાર લૉક હતી અને અંદર AC ચાલુ હતુ, જ્યારે વિન્ડો કાચ પર કાળી ફિલ્મ લગાવેલી હતી. જેથી પોલીસની ટીમે ધ્યાનથી જોતા પાછળની સીટ પર એક યુવક અને યુવતી સૂતા હતા. આથી પોલીસે તાત્કાલિક કારનું લૉક ખોલાવીને યુવક-યુવતીને બહાર કાઢતા બન્ને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આથી પોલીસે પંચનામું કરી બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મૃતકો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના તાલુકાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃતકો પૈકી યુવતી પરિણીત અને યુવક કુંવારો હતો. પ્રથમ દ્રષ્ટિએ બન્નેએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે જે કારમાંથી બન્નેની લાશ મળી, તેની ચાવી પણ કારની અંદરથી જ મળી આવી છે. જો કારની ચાવી અંદર જ હતી, તો પછી તે લૉક કેવી રીતે થઈ? આથી બન્નેની હત્યા થઈ હોવાની આશંકા પણ નકારી શકાય નહીં. હાલ તો પાવાગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે. બીજી તરફ બન્ને મૃતકોના પરિવારજનોને જાણ કરતાં તેઓ પાવાગઢ આવા રવાના થઈ ગયા છે. જેમની પૂછપરછ બાદ સાચી હકીકત પ્રકાશમાં આવશે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
