તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Sunday, 29th June 2025
અમદાવાદ સરાજાહેર ધીંગાણુઃ કાયદાના ધજાગરા ઉડ્યાઃ યુવક પર સામાજિક તત્વોનો હુમલો
ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા જાહેર રોડ પર તલવાર અને ડંડાઓથી મારપીટ થતાં નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો: હુમલાનો ભોગ બનેલો યુવક બચવા માટે ભાગ્યો ત્યારે તે બાઈક અને મોપેડ પર પણ પટકાયો હતો

અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વાર કાયદો વ્યવસ્થા પર સવાલો ઊભા થાય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને જાહેર રોડ પર તલવાર અને ડંડાઓથી મારપીટ થતાં નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ગોમતીપુર વિસ્તારમાં છોટાલાલ અને મરિયમ બીબી ચાલીમાં જાહેર રોડ પર તલવાર અને ડંડાથી મારામારી કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર દારૂ અને જુગારના અડ્ડાઓને લઈને જૂની અદાવતમાં એક યુવક પર અસામાજિક તત્વોના ટોળાએ ડંડા અને તલવાર વડે ઘાતકી હુમલો કરી દીધો. હુમલાનો ભોગ બનેલો યુવક બચવા માટે ભાગ્યો ત્યારે તે બાઈક અને મોપેડ પર પણ પટકાયો.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક રસ્તા પર કેટલાક લોકો ઉભા છે અને એક યુવક મોપેડ પર ત્યાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ત્યાં તેને રોકવામાં આવ્યો અને પછી ગણતરીની સેકન્ડોમાં તો તેના પર ડંડા અને તલવારથી હુમલો કરી દેવામાં આવ્યો. પોતાને બચાવવા માટે ભાગવા જતા આ યુવકને પકડી-પકડીને મારવામાં આવ્યો અને આ દરમિયાન તે બાઈક અને મોપેડ પર પટકાયો.
એક મહિલા વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના મોબાઈલ ફોનમાં કેદ થઈ ગઈ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. જાહેરમાં ઘાતકી હિંસા અને તલવાર વડે હુમલાની ઘટના એ સ્પષ્ટ કરે છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
