તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Sunday, 29th June 2025
અમદાવાદમા એક જ કંપનીમાં કામ કરતા ત્રણ શ્રમીકો વચ્ચે બોલાચાલી બાદ ગાળાગાળી થતા સગીર સહિતનાંએ તેનાં જ સાથીને મોતને ઘાટ ઉતારીને લાશને નાળામાં ફેંકી દીધી : સીસીટીવીએ આરોપીની પોલી ખોલી નાખી : પોલીસે ધરપકડ કરી
મહેતા ઈન્ડસ્ટ્રીઝ કંપનીનાં કર્મચારી વચનારામ પરમારની લાશ નાળામાંથી મળતા શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો બાદમાં આ બનાવ હત્યામાં પલટાયો હતો

અમદાવાદ: એક જ કંપનીમાં કામ કરતા ત્રણ શ્રમીકો જે રોજ સાથે કામ કરતા, સાથે જમતા અને સાથે જ રહેતા હતા, જોકે એક રાતે નોકરી પરથી છુટીને આંટો મારવા નીકળ્યા અને બોલાચાલી બાદ ગાળાગાળી થઈ, જેમાં સગીર સહિતનાં અન્ય એક શખ્સે તેનાં જ સાથીને મોતને ઘાટ ઉતારી નાખ્યો, બાદમાં યુવકની લાશને નાળામાં ફેંકી દીધી, જોકે નજીકમાં લાગેલા સીસીટીવીએ આરોપીની પોલી ખોલી નાખી અને પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. આ ઘટના અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં બની છે, શું હતી સમગ્ર ઘટના અને કોણ છે આરોપી જોઈએ આ અહેવાલમાં...
અમદાવાદનાં પૂર્વમાં આવેલી નરોડા જીઆઈડીસીમાં આવેલી મહેતા ઈન્ડસ્ટ્રીઝ કંપનીનાં કર્મચારી વચનારામ પરમારની લાશ 26મી જુને જીઆઈડીસીમાં આવેલા નાળામાંથી મળી હતી, શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો, કારણ કે 25મી જુને અમદાવાદમાં ભારે વરસાદ પડયો હતો, જોકે બાદમાં આસપાસનાં 70 જેટલા સીસીટીવી તપાસ કરતા વચનારામનું અકસ્માતે મોત નહીં પરંતુ તેની હત્યા કરવાથી મોત થયું હોવાનો ખુલાસો થતા 27મી જુને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં સામેલ આરોપી રાજસ્થાન હોવાની માહિતી નરોડા પોલીસને મળતા રાજસ્થાનનાં વીરપુર ગામમાંથી ભાવેશ રમણભાઈ અસારી અને કાયદાનાં સંઘર્ષમાં આવતા કિશોરની ધરપકડ કરી હતી.
આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે સગીર સહિતનાં બન્ને આરોપી અને મૃતક વચનારામ પરમાર એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા, ત્રણેય રાજસ્થાનનાં રહેવાસી હોવાથી સારા એવા પરિચયમાં હતા. જોકે 25મી જૂને રાતનાં સમયે ભાવેશ અસારી અને સગીર આઠ વાગે આસપાસ કંપનીમાં નોકરી પુરી કર્યા પછી આટો મારવા નીકળ્યા હતા, તે સમયે વચનારામ પરમાર રસ્તામાં મળ્યો હતો અને તેણે સગીરને ગાળો આપી હતી. જેનાં કારણે બન્ને જણા ઉશ્કેરાઈ જતા તેમણે વચનારામને ગાળો ના આપવાનું કહેતા તેણ ગાળો આપવાનું ચાલુ રાખતા તેને માર માર્યો હતો.જેનાં કારણે વચનારામ બેભાન થઈ જતા રોડ પરથી ઘસડીને બાજુમાં આવેલા નાળામાં નાખી દીધો હતો. અને પોતાનાં વતનમાં ફરાર થઈ ગયા હતા.
નરોડા પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે. હત્યા પાછળ ગાળાગાળી જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે જાણવા માટે આરોપીનાં રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. સગીર સાથે મૃતકને કોઈ બાબતનો ઝઘડો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે, તેવામાં પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવુ રહ્યું..
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
