તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
શેરબજારમાં ગુજરાત સરકારની કંપનીઓનો દબદબો : ૨૦૨૫-૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં સેન્સેક્સ - નિફ્ટીને પછાડી ડંકો વગાડ્યો!
GMDC ૫૫.૨૩%ના જબરદસ્ત ઉછાળા સાથે ટોચ પર : GIPCL, GSFC, ગુજરાત ગેસ, GSPL અને GNFC સહિતની અનેક સરકારી કંપનીઓએ ડબલ ડિજિટમાં વૃદ્ધિ નોંધાવી : નરેન્દ્રભાઈ મોદીના 'ગ્રોથ એન્જિન' વિઝનને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મળ્યો વેગ

ગાંધીનગર : ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીની કંપનીઓએ શેરબજારમાં પોતાની અદભૂત ક્ષમતાનો પરચો આપ્યો છે. ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (૨૮ માર્ચથી ૩૦ જૂન સુધી) આ કંપનીઓએ BSE સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકોના રિટર્નને પણ વટાવીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ સિદ્ધિ રાજ્ય સરકારની માલિકીના સાહસોની મજબૂત નાણાંકીય સ્થિતિ અને સુઆયોજિત વ્યૂહાત્મક સંચાલન દર્શાવે છે, જે એક અગ્રણી આર્થિક કેન્દ્ર તરીકે ગુજરાતના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત દેશનું 'ગ્રોથ એન્જિન' બન્યું છે. આજે ગુજરાત સમગ્ર દેશમાં ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક ગણાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં સતત પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારની માલિકીની કંપનીઓનું બજારમાં મજબૂત પ્રદર્શન રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગ આપવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.
બજારથી પણ બહેતર દેખાવ:
શેરબજારના તાજેતરના આંકડાઓ અનુસાર, ભારતીય શેરબજાર- BSE અને NSE પર લિસ્ટેડ ગુજરાતની સરકારી કંપનીઓએ નોંધપાત્ર ઉછાળો નોંધાવીને એકંદર માર્કેટ કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. આજે સોમવારે BSE સેન્સેક્સ ૮.૦૦% વધીને ૮૩,૬૦૬.૪૬ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૮.૪૯% વધીને ૨૫,૫૧૭.૦૫ પર બંધ થયો હતો. આનાથી વિપરીત, ગુજરાત સરકારની માલિકીની ઘણી કંપનીઓએ ડબલ ડિજિટમાં વૃદ્ધિની ટકાવારી નોંધાવી હતી, જે તેમની બજારમાં મજબૂત સ્થાન અને કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની ક્ષમતા દર્શાવે છે.
ટોચના દેખાવ કરનાર સરકારી કંપનીઓ:
આ યાદીમાં સૌથી ટોચ પર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) છે, જેણે ૫૫.૨૩% નો જબરદસ્ત વધારો નોંધાવ્યો. તેના શેરનો ભાવ ₹૨૬૫.૩૫ થી વધીને ₹૪૧૧.૯૦ થયો. ત્યારબાદ બીજા સ્થાને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની લિમિટેડ (GIPCL) એ ૨૧.૩૧% નો મજબૂત વધારો નોંધાવ્યો, જેનો શેરભાવ ₹૧૮૦.૨૦ થી વધીને ₹૨૧૮.૬૦ થયો છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) એ ૧૫.૩૧% નો વધારો નોંધાવ્યો, જેના શેરનો ભાવ ₹૧૭૭.૩૦ થી વધીને ₹૨૦૪.૪૫ થયો, જ્યારે ગુજરાત ગેસ લિમિટેડની શેરની કિંમતમાં ૧૪.૩૦% નો વધારો જોવા મળ્યો, જે ₹૪૧૨.૬૦ થી વધીને ₹૪૭૧.૬૦ થયો. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) એ પણ અનુક્રમે ૧૨.૨૯% અને ૧૧.૬૦% નો વધારો નોંધાવીને સારું પ્રદર્શન કર્યું છે.
આ શાનદાર કામગીરી ગુજરાતના સરકારી માલિકીના સાહસોના વ્યૂહાત્મક વિઝન અને કાર્યકારી કાર્યક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. સ્પર્ધાત્મક બજારના માહોલમાં પણ આ કંપનીઓ સતત વિકાસ કરી રહી છે. રાજ્ય સરકારે હંમેશાં ટકાઉ વિકાસ, નવીનીકરણ અને રોકાણકારોના વિશ્વાસને મહત્વ આપ્યું છે, જેના કારણે આ કંપનીઓ બેન્ચમાર્ક સૂચકાંકોને પાર કરીને અસાધારણ રિટર્ન ડિલિવર કરવા માટે પ્રેરિત થઈ છે. આ કંપનીઓ નવીનીકરણ અને વિકાસની દિશામાં સતત આગળ વધી રહી છે, જેના કારણે રોકાણકારો અને હિતધારકો ટકાઉ વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે, જે ખરેખર ગુજરાતના આર્થિક ભવિષ્ય માટે આશાસ્પદ સંકેત છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
