તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
અમદાવાદના 9 હેરીટેજ દરવાજાની જાળવણી તથા વાહનોની અવરજવર બંધ કરાવવા પુરાતત્વ વિભાગે AMCને પત્ર લખ્યો
દરવાજાઓની આસપાસ થયેલા દબાણો અને ફેરિયાઓના દબાણો દૂર કરવા આદેશ કર્યો:આસ્ટોડિયા દરવાજામાં જે રીતે બેરીકેડિંગ કરાયું છે તે રીતે અન્ય દરવાજાઓમાં પણ બેરીકેડિંગ કરવા જણાવ્યું

અમદાવાદ: શહેરના હેરીટેજ સ્થાપત્યોની જાળવણી પ્રત્યે એએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલા ઐતિહાસિક દિલ્લી દરવાજાની અંદર લાગેલો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો. આ ઘટના બાદ પુરાતત્વ વિભાગે એએમસીને પત્ર લખી શહેરના 9 હેરીટેજ દરવાજાઓની જાળવણી કરવા તથા દરવાજાઓમાંથી વાહનોની અવરજવર બંધ કરવા અને દબાણો દૂર કરવા આદેશ કર્યો છે. પુરાતત્વ વિભાગના પત્ર બાદ એએમસીનું તંત્ર દોડતું થયું છે.
જેમાં પાંચકુવા દરવાજા, દિલ્લી દરવાજા, રાયપુર દરવાજા, દરિયાપુર દરવાજા, ભદ્ર ત્રણ દરવાજા, સારંગપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, પ્રેમ દરવાજા અને કાલુપુર દરવાજાની જાળવણી માટે પગલાં લેવા આદેશ કર્યો છે. આ દરવાજાઓ વચ્ચેથી થતી વાહનોની અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આ દરવાજાઓની જાળવણી કરવા અને શોભા વધે તે માટે દરવાજાઓની આસપાસ થયેલા દબાણો અને ફેરિયાઓના દબાણો દૂર કરવા આદેશ કર્યો છે. આસ્ટોડિયા દરવાજામાં જે રીતે બેરીકેડિંગ કરવામાં આવ્યું છે તે રીતે અન્ય દરવાજાઓમાં પણ બેરીકેડિંગ કરવા જણાવ્યું છે.
આ માટે હેરીટેજ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવી સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરીને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. શહેરના 12 દરવાજાઓમાંથી 9 દરવાજા ASI અંતર્ગત આવે છે. ત્યારે ASI આ દરવાજાઓની જાળવણી ના થતા ચિંતા વ્યક્ત કરી એએમસીને પત્ર લખ્યો છે. કારણ કે ચાર દરવાજાઓમાં હજુ પણ લાકડાના દરવાજા લાગેલા છે. માટે તેની કાળજી અને જાળવણી કરવી ખૂબ જરૂરી છે.
આ બાબતે હેરીટેજ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે, આ બાબતે કોર્પોરેશન આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી યોગ્ય પગલાં લેશે. દરવાજાઓની વચ્ચેથી વાહનવ્યવહાર બંધ કરવા જણાવ્યું છે. ત્યારે વાહનવ્યવહાર બંધ થવાથી ટ્રાફિકની શું અસર થશે, ટ્રાફીકને કેવી રીતે ડાઈવર્ઝન આપી શકાય તે માટે ચર્ચા કરવામાં આવશે અને આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
