તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
બોર્ડે 13 મેથી વિતરણ કર્યું છતા હજુ અમદાવાદની 73 સ્કૂલના વિદ્યાર્થી 10-12ની માર્કશીટથી વંચિત : DEOએ આપી નોટિસ
વારંવાર સ્કૂલોને સુચના આપવા છતાં માર્કશીટ ન લઈ જતાં શિક્ષાત્કમક કાર્યવાહીની ચીમકી સાથે ફરી એકવાર માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવી લેવા નોટિસ જારી કરી

અમદાવાદ : શહેરની 73 સ્કૂલોની સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. આ તમામ સ્કૂલોના ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હજુ સુધી માર્કશીટ અને પ્રમાણપત્રથી વંચિત રહ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 13મી મેથી માર્કશીટ વિતરણ શરૂ કર્યું હોવા છતાં આ સ્કૂલોના સંચાલકોની આળસથી હજુ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી. વારંવાર સ્કૂલોને સુચના આપવા છતાં માર્કશીટ ન લઈ જતાં શિક્ષાત્કમક કાર્યવાહીની ચીમકી સાથે ફરી એકવાર માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવી લેવા નોટિસ જારી કરી છે.
અમદાવાદ શહેર ડીઈઓએ નોટિસમાં જણાવ્યું છે કે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્ર લઈ જવા વારંવાર સૂચના આપવા છતાં કેટલીક શાળાઓ આજદિન સુધી લઈ ગઈ નથી. આ તમામ શાળાઓએ લેટરહેડ સાથે રાખી દિન-1માં ડીઈઓ કચેરી ખાતેથી માર્કશીટ અને પ્રમાણપત્ર ફરજિયાત મેળવી લેવાના રહેશે. અન્યથા સ્કૂલ સામે કાર્યવાહી કરાશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની માર્કશીટ અને પ્રમાણપત્ર 13મી મેના રોજ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ 17મી મેના રોજ તમામ જિલ્લાઓમા મોકલી આપવામાં આવી હતી. એવી જ રીતે ધોરણ 10નું ઓનલાઈન પરિણામ 8મી મેના રોજ જાહેર કર્યા બાદ 25મી મેના રોજ બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્રો મોકલી આપવામાં આવ્યાં હતા. જિલ્લાના ડીઈઓ દ્વારા 26મી મેના રોજ તમામ સ્કૂલોને પ્રમાણપત્ર અને માર્કશીટ મેળવી લેવાની સુચના આપવામાં આવી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
