<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીની સપાટી 211 ફૂટ નજીક પહોંચી

જૂન મહિનામાં જ સરોવરમાં પાણીની બંપર આવક થઈ: શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તાર માટે ખૂબ મોટી રાહત

વડોદરા : ઐતિહાસિક આજવા સરોવરમાં વર્ષો બાદ જૂન મહિનામાં જ પાણીની સપાટી 211 ફૂટ નજીક પહોંચી છે. ચોમાસાના શરૂઆતના જ રાઉન્ડમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે આજવામાં ઝડપથી પાણી ભરાઈ રહ્યું છે. હાલમાં આજવાની સપાટી 210.64 ફૂટ સુધી પહોંચી છે. જ્યારે સરકારી માર્ગદર્શિકા મુજબ સરવરનું સંપૂર્ણ લેવલ 211 ફૂટ સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે. આ સ્તર વટે ત્યારે ગેટ ખોલીને પાણી વિશ્વામિત્રી તરફ છોડવામાં આવશે.

આજવા સરોવરમાં હાલ આસોજ ફીડરથી પણ 0.13 ફૂટ પાણી ઠાલવાઈ રહ્યું છે. તાજેતરમાં પ્રતાપપુરા વિસ્તારમાં 533 મીમી, હાલોલમાં 639 મીમી અને ધનસર વાવ વિસ્તારમાં 597 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે આજવાની આસપાસ કુલ 406 મીમી વરસાદ પડ્યો છે. પરિણામે જૂન મહિનામાં જ સરોવરમાં પાણીની બંપર આવક થઈ છે.

શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તાર માટે આ ખૂબ મોટી રાહત તરીકે સામે આવી છે. જ્યાં પાણીની અછતની સમસ્યા હતી. હવે જો માત્ર વિતરણ વ્યવસ્થાના ટેકનિકલ મુદ્દાઓ પર તંત્ર અસરકારક રીતે કામ કરે તો સમગ્ર વિસ્તાર માટે પાણીની સમસ્યા ભૂતકાળ બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની જમાવટે આજવામાં ઝડપથી સપાટી વધારી છે. જો કે, હાલમાં વરસાદ થોડો ઓછો થયો હોવાથી સ્તર સ્થિર છે. જોકે, આગામી દિવસોમાં વધુ વરસાદ વરસે તો આજવામા ફરી સપાટી વધવાની પૂરી સંભાવના છે.

(11:51 AM IST)