News of Tuesday, 1st July 2025
ખાડામાં પડતા વ્યક્તિના મોત મામલે વળતર ચૂકવવા AMCએ હાથ ઊંચા કર્યા
મૃતકના પરિવારજનોનો આક્રોશઃઆ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ વળતરની માગ કરતાં AMC તંત્રએ વળતર ચૂકવવા હાથ ઊંચા કરી દીધા હતાં

અમદાવાદ,તા.૧
અમદાવાદમાં ગત સપ્તાહમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. જળબંબાકારની સ્થિતિમાં ઓઢવમાં મોગલ માતાના મંદિર નજીક પસાર થતી ડ્રેનેજ લાઈનમાં મનુભાઈ પંચાલ બાઈક સાથે ગરકાવ થઇ ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ તેમને બચાવવા માટે જીવના જોખમે પ્રયાસો હાથ ધર્યા હતાં. ફાયરના જવાનોએ ૧૦ કલાકની કામગીરી બાદ ડ્રેનેજ લાઈનમાંથી મનુભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ વળતરની માગ કરતાં AMC તંત્રએ વળતર ચૂકવવા હાથ ઊંચા કરી દીધા હતાં.
મૃતક મનુભાઈ પંચાલના પરિવારજનોએ કહ્યું હતું કે, વળતર તો તંત્રએ ચૂકવવું જ પડશે. આ AMCની બેદરકારી છે જેથી વળતર તો અમને મળવું જ જોઈએ. અમારા માથેથી છત છીનવાઈ ગઈ છે. મૃતકના પરિવારજનોએ ફાયરની ટીમ પર પણ આક્ષેપો કર્યા હતાં. પરિવારજનોએ કહ્યું હતું કે, અમને AMC કહે છે વળતર નહિ ચૂકવવામાં આવે એ બિલકુલ યોગ્ય નથી.જો AMC વળતર નહિ ચૂકવે તો અમે હાઇકોર્ટ સુધી લડી લઈશું.
તંત્રના અધિકારીઓ કહે છે કે, ઘટના સ્થળે પતરા અને જાળી હતી. પરંતુ બાઇક અને ડેડબોડી નીકળી તો ત્યાંથી પતરા અને જાળી કેમ ના નીકળી? રાતે ફાયર વિભાગ વાળાએ ના પાડી દીધી હતી કે અમે કામ નહિ કરીએ.આ તંત્રની જ બેદરકારી છે. જો એમના પરિવારમાથી કોઈ સાથે આવો અકસ્માત થયો હોત તો શું એ કામ ના કરતા? અમારા માથેથી છત છીનવાઈ છે અમારા માણસ સામાન્ય ફેકટરીમાં કામ કરતા હતા. હવે તેમના મોત બાદ અમારૃ કોણ? જો AMC વળતર નહિ ચૂકવે તો અમે હાઇકોર્ટ સુધી લડી લઈશું.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
