<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

અમદાવાદમાં રથયાત્રા બાદ ' પુલીસવાલે કા મર્ડર હુઆ હૈ' નો કોલ આવતા પોલીસ હરકતમાં :9 વર્ષના ટાબરીયાએ ફોન કર્યાનું ખુલ્યું

કોલ કરનાર પોલીસનો ફોન ઉપાડતો ન હતો: આખરે પોલીસે લોકેશન મેળવી કોલ કરનાર ઘરે પહોંચી

અમદાવાદ :રથયાત્રા પછીના રવિવારે સવારે પોલીસ કંટ્રોલરૂમમાં પુલીસવાલે કા મર્ડર હુઆ હૈનો કોલ આવતા શાહપુર પોલીસને જાણ કરાઈ હતી. શાહપુર પોલીસે હત્યાનું સ્થળ શોધવા અને મૃતકને શોધવા દોડધામ કરી હતી. બીજી તરફ કોલ કરનાર પોલીસનો ફોન ઉપાડતો ન હતો. આખરે પોલીસે લોકેશન મેળવી કોલ કરનાર ઘરે પહોંચી તો નવ વર્ષના ટાબરીયાએ ફોન કર્યાનું ખુલ્યું હતું. પોલીસ ટાબરિયાની ધરપકડ કરી શકે તેમ ના હોવાથી પરિવારને ફરી આવું ના બને તેની સૂચના આપી પરત ફરી હતી.

પોલીસ કંટ્રોલરૂમમાં ગત રવિવારે સવારે શાહપુરમાં હત્યા થયાનો કોલ આવ્યો હતો. ફોન કરનારે કંટ્રોલરૂમને પોલીસવાળાની હત્યા થયાની જાણ કરી હતી. આ મામલાને કંટ્રોલરૂમે ગંભીરતાથી લઈ શાહપુર પોલીસને જાણ કરી હતી. શાહપુર પોલીસે કોલ કરનારનો નંબર મેળવી સામે ફોન કરતા જવાબ મળતો ન હતો. આખરે શાહપુર પોલીસે ફોન નંબર ઉપરથી તેના ધારકનું નામ અને સરનામું મેળવ્યું હતું. પોલીસ તપાસમાં શાહપુરના નાગોરીવાડમાંથી ફોન થયાની જાણકારી મળી હતી.

પોલીસ કોલ ધારકના ઘરે પહોંચી તો મહિલાએ જણાવ્યું કે, આ ફોન નંબર તેનો છે પણ પોતે આવો કોઈ કોલ કર્યો નથી. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, ઘરમાં હાજર નવ વર્ષના ટાબરીયાએ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. પોલીસે પરિવારના તમામ સભ્યને ફરીવાર આવી કોઈ ઘટના ના બને તેનું ધ્યાન રાખવા અને ફોન બાળકોથી દૂર રાખવા સૂચના આપી હતી. પોલીસ અધિકારી અને કર્મચારીઓ પણ દોડધામનું દર્દ ભૂલીને નવ વર્ષના ટાબરિયાની હરકત અંગે પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા.

(3:54 PM IST)