<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

વિશ્વ ફલક પર નામના મેળવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગામોમાં વિકાસ રૂંધાયો:ગડોદ અને કુંભિયા ગામને જોડતી નદી પર પુલના અભાવે પાણીમાંથી પસાર થતી ફોર વ્હીલ ફસાઈ

પુલ નહી હોવાથી શાળા કોલેજોમાં જતા આવતા વિધ્યાર્થીઓ ચોમાસામાં ખાડીમાં વધુ પાણી આવતા જીવના જોખમે ખાડી પસાર કરે છે:પુલ બાબતે અનેક રજૂઆત બાદ અધિકારીઓ અને રાજકીય આગેવાનો આ સ્થળે આવ્યા પરંતુ કોઈજ ઉકેલ આવ્યો નથી

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વ ફલક પર નામના મેળવી છે અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લો પણ મોખરે ગણાય છે છતાં સ્ટેચ્યુની આજુબાજુના ગામોમાં જાણે વિકાસ રૂંધાયો છે કેમ કે પાયાની સુવિધાનો અભાવ જણાય છે.

   વાત કરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ના ગામોની તો તેમાં ગરુડેશ્વર તાલુકાના ગડોદ અને કુંભિયા ગામ ને જોડતી નદી પર પુલના અભાવે પાણીમાંથી પસાર થતી શાળા શિક્ષકની ફોર વ્હીલ ફસાઈ ગઈ હતી અને આ નદી પર પુલ નહી હોવાથી શાળા કોલેજો માં જતા આવતા વિધ્યાર્થીઓ પણ ચોમાસામાં ખાડીમાં વધુ પાણી આવતા જીવના જોખમે ખાડી પસાર કરે છે.
અને આસપાસના ગામોના લોકો પણ આ તકલીફ નો ભોગ બની રહ્યા છે, ત્યાં આવતા અધિકારીઓ ખાલી આશ્વાસન જ આપે છે કે થઈ જશે પણ આજ દિન સુધી કંઈ થયું થયું નથી ત્યારે હાલ ચોમાસા ની સિઝન હોઈ ખાડી માં પાણી વધતા શિક્ષક ની કાર પાણીમાં ફસાઈ ગઈ હતી તેને ટ્રેકટર અને લોકોની મદદથી ટોચન કરી બહાર કાઢવામાં આવી હતી.
  આ વિસ્તારમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટો સરકાર લાવી રહી છે પણ અહીંયા ની સ્થાનિક પ્રજા માટે પાયા ની સુવિધાઓ નો અભાવ છે ખાસ તો આ વિસ્તારમાં જે પણ વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ મૂડીપતિઓ અને માલેતુજારો નો થયો છે, અહીની પ્રજા પહેલાં પણ હાડમારી વેઠી રહી હતી અને અત્યારે પણ હાલાકી વેઠી રહી છે તેમની પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધાર થયો હોય એવું જોવા મળતું નથી. તો નર્મદા જિલ્લાના ઘણા ગામો એવા જોવા મળે છે કે ત્યાં પાયાની સુવિધા હજુ સુધી પહોંચી નથી તો આને કહેવાય વિકાસ..? સ્થાનિક આગેવાનો અને લાગતા વળગતા અધિકારીઓ આ બાબતને ગંભીરતા થી લે અને પોતાની જવાબદારી નિભાવે એ જરૂરી છે

(10:11 PM IST)