<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

BRTS બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનોની વયમર્યાદામાં કરાયો ઘટાડો

દિવ્યાંગજનોને પણ મળશે મોટો લાભઃહવે ૬૫ વર્ષ બાદ મફત મુસાફરી કરી શકાશે આ સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે

અમદાવાદ,તા.૩

અમદાવાદમાં BRTS બસના મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનોની મફત મુસાફરીની વયમર્યાદામાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. ૭૫ વર્ષની વયમર્યાદા ઘટાડીને ૬૫ વર્ષ કરવામાં આવી છે, જેથી હવે વધારે લોકો શહેરમાં મફત મુસાફરી કરી શકશે. આ પહેલા ૭૫ વર્ષ બાદ મફત મુસાફરી BRTS બસમાં કરી શકાતી હતી, જો કે હવે ૬૫ વર્ષ બાદ મફત મુસાફરી કરી શકાશે. આ સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને ૪૦ ટકા ખર્ચથી પાસ મળતા હતા પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે. જો કે તમામ મુસાફરોએ દર વર્ષે પાસને રીન્યુ કરાવવાનો રહેશે.

AMC દ્વારા નાગિરકોને ઝડપી બસ સેવા પૂરી પાડવાના નામે કરોડોના ખર્ચે BRTS બસ સુવિધા શરૃ કરવામાં આવી છે. શહેરમાં BRTS રૃટ પર બસ રૃટ પર ખાનગી ઓપરેટરોના ડ્રાઈવરો બેફામ અને બેદરકારીપૂર્વક બસ દોડાવતા હોવા સહિત અનેક પ્રકારની ફરિયાદો BRTS તંત્રને મળી છે. પરંતુ આવા ડ્રાઇવરો સામે ક્યારે શું કાર્યવાહી કરવામા આવી તેમજ કડક અને નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી હોવા અંગે કોઇ જ માહિતી તંત્ર પાસે ન હોવાનો આક્ષેપ કરાયો છે. છેલ્લાં ૪ વર્ષમાં BRTSમાં મુસાફરી કરનારાઓએ ડ્રાઇવરો અંગે વિવિધ ટોલ ફરી નંબર તેમજ ઇ-મેઇલ પર કુલ ૭૯૨ ફરિયાદો કરી હોવાનું જાણવા મળે છે. જોકે ચાર વર્ષ દરમિયાન ફ્ક્ત એક જ ડ્રાઇવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતીની પ્રક્રિયા થોડા સમયમાં શરૃ કરાશે. AMCમાં નવા ૨૫૦૦ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. અલગ અલગ વિભાગમાં એન્જિનિયર , ગ્રેજ્યુએટ, ITI અભ્યાસ કરેલા લોકોની ભરતી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં AMCમાં ૨૪,૦૦૦ કર્મચારીઓ કાર્યરત છે. તેના ૧૫ ટકા લેખે ૨૫૦૦ નવી ભરતી કરવામાં આવશે.

(10:40 PM IST)