<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

વિદ્યાર્થીનીઓએ મંગળવારે પનીરનું શાક ખાધુ હતુઃઆ વિદ્યાર્થીનીઓને તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી

ગાંધીનગર,તા.૩

ગાંધીનગરના સેક્ટર-૭માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની હોસ્ટેલમાં રહેતી ૧૨ વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થઈ હતી. આ વિદ્યાર્થીનીઓએ મંગળવારે પનીરનું શાક ખાધુ હતુ.

તેના પછી આ વિદ્યાર્થીનીઓને તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જો કે આ બધી વિદ્યાર્થીનીઓને સમયસર સારવા મળતા તેમની તબિયત સુધારા હેઠળ છે. કોઈપણ વિદ્યાર્થીનીનો જીવ જોખમમાં નથી.આ ઘટના બતાવે છે કે ચોમાસાના સમયમાં પનીર જેવા શાક તબિયતના કેવા હાલ કરે છે. આ ઘટનાની જાણ થવાના પગલે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું હતું. આરોગ્યની ટીમને તરત જ ચૌધરી કેમ્પસમાં મોકલવામાં આવી હતી.

આરોગ્યની ટીમે ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓનું તાત્કાલિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ૧૨ વિદ્યાર્થીનીઓ સિવાય હજી સુધી કોઈ બીજો નવો કેસ નોંધાયો નથી. સાવચેતીના પગલાં રૃપે આરોગ્ય ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં ભાગ લે છે અને હોસ્ટેલમાં રહીને ભણે છે.

આના પગલે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમ ગાંધીનગરની લગભગ બધી જ હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરે તો નવાઈ નહી લાગે. તેની સાથે ફૂડ વિભાગની ટીમ પણ હોસ્ટેલોની કેન્ટિનોમાં ગમે ત્યારે ત્રાટકે તેમ સૂત્રો કહી રહ્યા છે.

(10:45 PM IST)