<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધા

શિક્ષણ જગતને માટે શરમજનક કિસ્સો સામે આવ્યોઃસમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ રોષે ભરાયા છે અને શાળાની બહાર એકઠા થઈને શિક્ષિકાના આ કૃત્યનો વિરોધ કર્યો

ખેડા,તા.૩

ખેડાના મહુધા શહેરમાં આવેલી કન્યાશાળામાં ૮માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના શિક્ષિકાએ વાળ કાપી નાંખ્યા હતા. હકીકતમાં શાળામાં બે ચોટલી વાળીને આવવાનો નિયમ હતો. જોકે, આ વિદ્યાર્થિનીએ શાળાના નિયમનું પાલન નહતું કર્યું. વિદ્યાર્થિનીના આ વર્તનથી શિક્ષિકા રોષે ભરાયા અને ક્લાસની અન્ય વિદ્યાર્થિનીઓની સામે જ કાતર વડે તેના વાળ કાપી નાંખ્યા હતા. શાળાના આ વર્તનથી ભારે વિરોધ થઈ રહ્યો છે. પીડિત વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 'મેં બે ચોટલી નહતી વાળી એટલે સંગીતા ટીચરે મારી ચોટી કાપી નાંખી. આ સિવાય મને ધમકી આપી કે, નવી સ્કૂલમાં આવતી નહીં નહીંતર તારા ગળા પર છરી મુકી દઇશ. તેમણે મને જમવાનું પણ ન આપવા દીધું.' જોકે, આ વિશે આચાર્યએ પોતાના હાથ ખંખેરતા કહ્યું કે, હું શાળામાં હાજર નહતો તેથી મને આ વિશે કોઈ ખ્યાલ નથી.

સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ રોષે ભરાયા છે અને શાળાની બહાર એકઠા થઈને શિક્ષિકાના આ કૃત્યનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે, શાળાના નિયમોના નામે શિક્ષિકા દ્વારા સતત વિદ્યાર્થીઓ પર દમન ગુજારી તેમનું અપમાન કરવામાં આવે છે. આ ઘટના પ્રાર્થનાના સમયે જાહેરમાં બની હતી. તો બીજા શિક્ષકો ત્યારે શું કરતા હતા? તેમણે આ શિક્ષિકાને કેમ ન અટકાવી?

સમગ્ર વિવાદ બાદ શિક્ષણ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થિનીને ન્યાય આપવા માટે આ અંગે તપાસ શરૃ કરી ગુનેગાર શિક્ષિકા સામે કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.

(10:44 PM IST)