તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
અમદાવાદમાં દીકરી માટે ચા અને બિસ્કિટ લેવા નીકળેલા યુવાનનું અપહરણ કરી છ અજાણ્યા શખ્સોએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
ઉમંગભાઈ ચા અને બિસ્કીટ લેવા શારદાબેન હોસ્પિટલ સામે ચાની દુકાન સુધી ગયા ત્યારે કોઈ બાબતે ઝઘડો થતા આરોપીઓ માર મારી બાદમાં રીક્ષામાં નાખી મીઠાપાણીના દરવાજા તરફ લઈ ગયા

અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં એક પતિને ચાની દુકાન સુધી જ જવું ભારે પડી ગયું. ચા અને બિસ્કિટ લેવા નીકળેલા યુવાનનું અપહરણ કરીને છ અજાણ્યા ઈસમોએ ગંભીર હુમલો કરી મોતને ઘાટ ઉતારતા પરિવારમાં આક્રંદ મચી ગયો છે.
ફરીયાદ મુજબ, સરસપુરના દેવીપુજકવાસમાં રહેતી સુનિતાબેન ઉમંગભાઈ શૈલેશભાઈ દંતાણી (ઉ.વ. ૨૨) પોતાના પતિ ઉમંગ (ઉ.વ. ૨૪) અને એક વર્ષની દીકરી સાથે રહે છે. ઉમંગભાઈ છૂટક કેટરર્સમાં કામ કરતા હતા. તા. ૩ જુલાઈના રોજ રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ દીકરી ઉર્વષી રડવા લાગી, જેથી ઉમંગભાઈ ચા અને બિસ્કીટ લેવા શારદાબેન હોસ્પિટલ સામે આવેલી ચાની દુકાન સુધી ગયા હતા.
આ દરમિયાન રાધે પાન પાર્લરની સામે રોડપર આવેલા ઈંડાના લારીવાળા સાક્ષી સુરવનસિંહના જણાવ્યા મુજબ, ઉમંગભાઈ ત્યાં પહેલેથી બેઠેલા પાંચથી છ અજાણ્યા ઈસમો સાથે વાતચીત કરતાં નજરે પડ્યા હતા. વાતચીત વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. આરોપીઓએ ઉમંગને ઘેરી માર મારી, બાદમાં તેને રીક્ષામાં નાખી મીઠાપાણીના દરવાજા તરફ લઈ ગયા હતા. પત્ની તથા પરિવારજનોએ આખી રાત મીઠાપાણીના દરવાજા, ઈટવાડા, ચમનપુરા વિસ્તાર સહિતમાં ઉમંગને શોધવાની ખૂબ કોશિશ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે સવારે ઉમંગની નણંદને ફોન ઉપર જાણ થઈ કે ઉમંગની લાશ વોરાના રોજાના રાજ ગેટ નજીક પાણીની પરબ પાસે પડી છે.
પ્રાથમિક તપાસમાં ઉમંગના માથા તથા જમણી આંખ પર ઘાતક ઈજાઓ હોવાનું બહાર આવ્યું છે. હુમલો હથિયાર વડે કર્યો હોવાનું પોલીસને અનુમાન છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પીડિત સુનિતાબેનના જણાવ્યા મુજબ, ‘‘મારા પતિને માર મારી અપહરણ કરીને જાનથી મારી નાખવામાં આવ્યા. મારી પાસે એક નાની દીકરી છે – પતિનું સહારો છીનવાઈ ગયું.’’ પરિવાર દ્વારા છ અજાણ્યા ઈસમો સામે અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં આ બનાવને લઈ ચકચાર પ્રસરી છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
