તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
MSUમાં આર્થિક રીતે નબળા ૧૫૫૨ વિદ્યાર્થીઓને ૯૧.૨૭ લાખની સ્કોલરશિપ અપાઈ
૮૦૯ બોયઝ અને ૭૪૩ ગર્લ્સનો સમાવેશ થાય છેઃસ્કોલરશિપ આપવા માટેની પ્રક્રિયા શરૃ કરવામાં થયેલા વિલંબના કારણે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ વિલંબથી મળી છે

વડોદરા,તા.૩
એમ.એસ.યુનિવર્સિટીમાં ૨૦૨૫-૨૬નું શૈક્ષણિક વર્ષ શરૃ થયા બાદ ૨૦૨૪-૨૫ના વર્ષની સ્કોલરશિપની રકમ વિદ્યાર્થીઓના બેક્ન એકાઉન્ટમાં જમા થઈ રહી છે. સ્કોલરશિપ આપવા માટેની પ્રક્રિયા શરૃ કરવામાં થયેલા વિલંબના કારણે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ વિલંબથી મળી છે.
સત્તાધીશોએ જાહેર કરેલા આંકડા અનુસાર ૨૦૨૪-૨૫ના વર્ષમાં આર્થિક રીતે નબળા ૧૫૫૨ વિદ્યાર્થીઓને ૯૧.૨૭ લાખ રૃપિયા સ્કોલરશિપ આપવામાં આવી છે. જેમાં ૮૦૯ બોયઝ અને ૭૪૩ ગર્લ્સનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટી દ્વારા ૨૦૧૨થી શરૃ કરવામાં આવેલી આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તેમણે ભરેલી ફી અંશતઃ અથવા પૂરેપૂરી પાછી આપવામાં આવે છે.
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી છે એટલે સૌથી વધારે ૩૬.૬૩ લાખની સ્કોલરશિપ કોમર્સ ફેકલ્ટીના ૬૪૯ વિદ્યાર્થીઓને મળી છે. ૧૬.૩૩ લાખની સ્કોલરશિપ સાથે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ બીજા ક્રમે છે. સ્કોલરશિપ મેળવનારા ૩૫૨ વિદ્યાર્થીઓ હાયર પેમેન્ટ કોર્સના છે. ૧૨૦૦ વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સના છે.
જેમણે માતા અથવા પિતા ગુમાવ્યા છે તેવા ૬૯ વિદ્યાર્થીઓને તેમજ એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા સ્કોલરશિપ આપવામાં આવી છે. ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે સ્કોલરશિપ આપવાની પ્રક્રિયા ઓક્ટોબર કે નવેમ્બરમાં જ શરૃ કરી દેવાશે. જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ પૂરું થાય તે પહેલા આર્થિક સહાય મળી જશે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
