<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

અમદાવાદના મણિનગરમાં બાળ મજુરીનો પર્દાફાશ : ચપ્પલના સ્ટોરમાંથી ચાર બાળકોને મુક્ત કરાવાયા

બાળકોએ કહ્યું - છેલ્લા ૧ થી ૧૨ દિવસ દિવસના ૧૨-૧૨ કલાક સુધી દુકાનમાં કામ કર્યું તેમને મહેનતાણું આપવાનું નક્કી કરાયું હતું પરંતુ હજુ સુધી કોઈ ચૂકવણી કરાઈ નહોતી

અમદાવાદના  મણિનગર વિસ્તારમાં બાળ મજુરીનો પર્દાફાશ થયો છે.ચંપલના દુકાનમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી, AHTU એ 4 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.માત્ર રૂપિયા 200માં બાળકો પાસે 12 કલાક મજૂરી કરાવવામાં આવતી હતી. બાતમીને આધારે પી.આઈ. કે.પી. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે દુકાન પર દરોડો પાડ્યો. તપાસ દરમિયાન ચંપલ સ્ટોરમાંથી કુલ ચાર બાળકો મળ્યા જે ૧૮ વર્ષથી નાની ઉંમરના હતા. આ બાળકો રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

 

આ પાંચ બાળકોમાંથી જતીન ભરતભાઈ દાતણીયા (ઉ.વ. ૧૭ વર્ષ) અમદાવાદના જ છે જ્યારે અન્ય ત્રણ બાળકો – જગદીશ ભૈરવલાલ મીણા (૧૨), અમરચંદ મોતીયા મીણા (૧૪) અને નરેશ બેહરાજી મીણા (૧૩) રાજસ્થાનના છે. બાળકોએ પોલીસને કહ્યું કે તેઓએ છેલ્લા ૧ થી ૧૨ દિવસ દરમિયાન દિવસના ૧૨-૧૨ કલાક સુધી ચંપલ બનાવવાની દુકાનમાં કામ કર્યું હતું. તેમને મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ ચૂકવણી કરાઈ નહોતી.

 

બાળકોને તાત્કાલિક કબ્જે લઈ બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન શ્રી સાથે ટેલિફોનીક પરામર્શ બાદ પ્રયાસ જુવેનાઇલ એડ સોસાયટી સરસપુર ખાતે સલામત રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં મહેશ ચંપલ સ્ટોરના માલિક ઉમેશ જયેશકુમાર પીઠાણી સામે બાળમજૂરી પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે.

 

પોલીસે જણાવ્યું કે આવા કેસોમાં કોઈ જાતની રાહત આપવામાં નહીં આવે અને બાળમજૂરી વિરુદ્ધ સઘન ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. સામાન્ય રીતે મોટાભાગના નાના વેપારી બાળકોને ઓછા પૈસામાં લાંબા કલાકો સુધી કામ કરાવે છે. પરંતુ આ પ્રકારની કાર્યવાહીથી બચાવવાની શક્યતાઓ હવે ઓછી રહી છે. શહેરમાં બાળમજૂરી મુક્ત અમદાવાદ નો સંકલ્પ મજબૂત બનાવવાનો અધિકારીઓએ પુન: સંકલ્પ કર્યો છે

(10:59 PM IST)