<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

વડોદરાના સમા-સાવલી રોડ પરથી શંકાસ્પદ કંકાલ મળતા ચકચાર : ફૉરેન્સિક ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે

માનવીના કંકાલ હોવાની શંકાને અંત આપી વાંદરાના કંકાલને દાટવાની કાર્યવાહી પૂર્ણ કરી

વડોદરા :શહેરના સમા-સાવલી રોડ પર ઊર્મિ બ્રિજ નજીક આવેલા ડિફેન્સની ખુલ્લી જગ્યાની ઝાડીઓમાંથી શંકાસ્પદ કંકાલ મળતા અફરા-તફરી મચી હતી. જાણ થતાં જ સમા પોલીસ મથકના પી.આઈ. એમ. એન. રાઠોડ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

પ્રથમ દૃષ્ટિએ હાડકા માનવીના હોવાની આશંકા વચ્ચે ફોરેન્સિક ટીમ અને પશુચિકિત્સકને પણ ત્યાં બોલાવાયા હતા. ગણતરીની મિનિટોમાં પશુ ચિકિત્સક ડો. વિમલ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કંકાલની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન હાડકાં, ચામડી તથા વાળના નમૂનાઓ મળી આવ્યા હતા.

કંઈક ઘમાસાણ ખુલાસો થાય તે પહેલા ડો. વિમલ પટેલે સ્પષ્ટતા આપી હતી કે આ કંકાલ કોઇ માનવીનો નહીં પરંતુ આશરે ચારથી પાંચ વર્ષના કપિરાજ એટલે કે વાંદરાનો હોવાનું તેઓએ જાહેર કર્યું છે. આ માહિતી મળતા પોલીસ તંત્ર અને સ્થાનિકોએ રાહત અનુભવી હતી.

તેઓએ જણાવ્યુ કે કંકાલની રચના, કદ અને અન્ય પાસાઓ જોઈને સ્પષ્ટ થાય છે કે આ પ્રાણીનો કંકાલ છે. આમ માનવીના કંકાલ હોવાની શંકાને અંત આપી વાંદરાના કંકાલને દાટવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

(12:19 AM IST)