તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
પેન્ડિંગ રિ-કેવાયસી હોઈ ગ્રાહકોની જાણ બહાર બેન્ક ખાતા બ્લોક કરાયા
રિઝર્વ બેન્કના આદેશનું પાલન કરાવવાની બેંકોની ફરજ : પ્રક્રિયામાં વિલંબથી સ્ટેટસ ઈન ઓપરેટિવમાં તબદીલ થાય છે

અમદાવાદ,તા.૦૪: રિર્ઝવ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડ-લાઈન મુજબ બેંક ખાતા ધારકોને રી-કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત કરાવવાની હોય છે. પેન્ડિંગ રિ-કેવાયસીને કારણે બેંક ખાતા બ્લોક થતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક કિસ્સામાં તો ચેક રિર્ટન થયા બાદ ગ્રાહકોને ખાતા બ્લોકની થયાની જાણકારી મળે છે.
બેંકોમાં નવા ખાતા ખોલવવા ટાંણે ખાતેદારને આધાર કાર્ડ-પાનકાર્ડ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે. નિયમ મુજબ બેંકો દ્વારા કેવાયસી (નો યોર કસ્ટમર) પોલીસીનું કડક પાલન કરવામાં આવે છે. ગ્રાહકોએ બેંકને આપેલા દસ્તાવેજી પુરાવાને સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. જે અંતર્ગત હવે રિઝર્વ બેંકના આદેશને પગલે ગ્રાહકોને બેંકોમાં રિ-કેવાયસી કરાવવું પડે છે. આ સંદર્ભે સૂત્રોએ જણાવ્યું હતું કે, બેંકો દ્વારા સમયાંતરે ગ્રાહકોના કેવાયસી અપડેટ કરવા જરૂરી છે. એકાઉન્ટ ઈન ઓપરેટિવ, એડ્રેસ અધુરુ, ડોકયુમેન્ટ્સ અથવા બીજા ફેરફાર હોય તેવા કારણોસર બેંક ગ્રાહકોને રિ-કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત છે. જો કોઈ ફેરફાર ન હોય તો ગ્રાહકો સેલ્ફડિક્લેરેશન દ્વારા રિ-કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. જેથી ગ્રાહકોને સંબંધિત બેંક શાખાનો ધક્કો ખાવો ન પડે. ગ્રાહકોને તેમના કેવાયસીના સમયાંતરે અપડેટમાં આવતી સમસ્યા અંગે પણ રિઝર્વ બેંકને ફરિયાદો મળી રહી છે. બીજી તરફ, કેટલાક ગ્રાહકો રિ-કેવાયસીનીજાણ ન હોવાથી આ પ્રક્રિયા પુરી કરી શકયા નથી. જેના કારણે તેઓના બેંક ખાતા બ્લોક થઈ ગયા છે.
આ ઉપરાંત એટીએમ કાર્ડનો ઉપયોગ પણ થઈ શકતો નથી અને આપેલા ચેક પણ રિર્ટન થતા ચાર્જિસ ચુકવવાની નોબત ઊભી થઈ છે.(૪૦.૯)
લેટેસ્ટ આધાર કાર્ડ હોય તો જ માન્ય રખાય છે !
રી-કેવાયસી માટે ગ્રાહકોને આધાર કાર્ડ પણ ઓનલાઈન ડાઉનલોડ કરવું પડે છે. આધાર કાર્ડ લેટેસ્ટ ના હોય તો રી-કેવાયસી થતું નથી. પ્રિન્ટ તારીખથી એક સપ્તાહ વચ્ચે રી-કેવાયસી ના થાય તો તે આધાર કાર્ડની ફોટો કોપી અમાન્ય થઈ જાય છે.
ગ્રાહકોને રિ-કેવાયસી માટે રૂબરૂમાં બોલાવાય છે
વ્યક્તિગત ગ્રાહકોને બેંક શાખાની મુલાકાત લીધા વિના રજિસ્ટર્ડ ઇમેઇલ, મોબાઇલ નંબર, એટીએમ, ડિજિટલ ચેનલો (ઓનલાઈન/ઇન્ટરનેટ બેંન્કિંગ, મોબાઇલ એપ) અને પત્ર જેવા વિવિધ નોન-ફેસ-ટુ-ફેસ ચેનલો દ્વારા સેલ્ફ ડિક્લેરેશન કરવાની સુવિધા પૂરી પાડે તેવી આરબીઆઈની સૂચના છે. તેમછતા ગ્રાહકોને બેંકોમાં રૂબરૂમાં બોલવવામાં આવે છે.
સાયબર ફ્રોડના ડરથી અન-નોન કોલ રિસીવ કરાતા નથી
વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના ડરને કારણે મોટા ભાગના ગ્રાહકો બેંક તરફથી આવતા અન-નોન કોલ રિસિવ કરતા નથી. કેવાયસી અપડેટે કરવાના બહાને કેટલાય ગ્રાહકો ઠગ ટોળકીની જાળમાં ફસાયાના કિસ્સા પણ ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાયેલા છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
