<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

વડોદરાના હરણી વિસ્તારની શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી: સ્કૂલમાં દોડધામ: શાળા ખાલી કરાવાઈ

હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને અજાણ્યા શખ્સે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી: પોલીસનો કાફલો, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવ્યો : સર્ચ ઓપરેશન

વડોદરા : હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને આજે સવારે અજાણ્યા શખ્સે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ધમકીની જાણ થતાંજ સમગ્ર સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર સ્કૂલના ચપ્પે-ચપ્પે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે, અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ હુમલાની ખાલી ધમકી હોવાની શક્યતા સેવાઈ રહી છે.

ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લાં 15 દિવસમાં વડોદરાની ત્રીજી શાળાને આવી જ બોમ્બ ધમકી મળી છે. જેનો સંબંધ ક્યા જૂથ અથવા વ્યક્તિ સાથે છે તે જાણવા માટે પોલીસે તપાસ તીવ્ર કરી છે. શહેરમાં સતત આવી બોમ્બ ધમકીઓ મળતા વાલીઓમાં દહેશતનો માહોલ છે. વાલીઓએ બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ પોલીસે અજાણ્યા ઈ-મેઈલ ભેજાબાજની શોધ માટે તકેદારી સાથે તલાશ શરૂ કરી છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી પરંતુ અચૂક પડતાલ શરૂ છે. વડોદરામાં શાળા સંસ્થાઓ અને પોલીસ તંત્ર એલર્ટ પર છે.

(11:54 AM IST)