<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

સરપંચ સંમેલનની પત્રિકામાંથી મંત્રી બચુ ખાબડનું નામ બાકાત

આજે નવા ચૂંટાયેલ સરપંચોનો ભુપેન્‍દ્રભાઇના અધ્‍યક્ષસ્‍થાને અભિવાદન સમારોહ સંપન્‍ન

અમદાવાદ તા. ૪: ગાંધીનગરમાં આજે મહાત્‍મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્‍યોનો અભિવાદન સમારોહ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકામાં પંચાયત મંત્રી રહેલા બચુ ખાબડનું નામ જ નથી. આમંત્રણ પત્રિકામાં સમારોહના અધ્‍યક્ષ તરીકે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તેમજ પ્રેરક ઉપસ્‍થિતિમાં સી.આર.પાટીલનું નામ જ છે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ જાહેર કાર્યક્રમમાંથી રાજ્‍ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડને બાકાત રાખવામાં આવી રહ્યાં છે.

ગાંધીનગરમાં બપોરે ૨ વાગ્‍યે મહાત્‍મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્‍યોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામો માટે ૧૨૦૦ કરોડથી વધુ ગ્રાન્‍ટની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં પૂર્ણ થયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૫૬ મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઇ છે. ૪,૮૭૬ નવા ચૂંટાયેલા સરપંચ-૬૦૦ મહિલા સમરસ ગ્રામ પંચાયત સભ્‍ય કાર્યક્રમમાં જોડાશે. ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતો માટે સમરસ ગ્રામ યોજના અંતર્ગત ૩૫ કરોડથી વધુ પ્રોત્‍સાહક ગ્રાન્‍ટની ફાળવણી કરવામાં આવશે. 

(4:09 PM IST)