News of Friday, 4th July 2025
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો :મેઘરાજાએ સૌરાષ્ટ્ર-દક્ષિણ-ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું : અનેક જગ્યાએ પાણી ભરાયા: ડેમ છલકાયા
એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ :રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત, બોટાદ, વલસાડ, નવસારી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.. બોટાદના રાણપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. બનાસકાંઠામાં હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.. દ્વારકાના રાવલમાં પણ વરસાદી પાણી ભરાયા છે. દાંતાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે. આમ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
અમરેલી જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.જેમાં રાજુલા, જાફરાબાદ બાદ ધારી પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે. ધારી સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધારી, જર, મોરજર, હુડલી, છતડીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી લાઠી પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાઠી પંથકમાં પણ વરસાદ શરૂ થા રોડ-રસ્તાઓમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારમાં ગામબારા પાણી નીકળી ગયા છે. સારા વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જામનગરમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જામનગરની સુપર માર્કેટ પાછળ અને બેડીગેટ આસપાસના નીચાણ વાળા વિસ્તારમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરમાં ધોધમાર વરસાદને પગલે જળાશયો છલકાયા છે. રણજીતસાગર અને રંગમતી ડેમ ઓવરફલો થયા. બંને મોટા ડેમ છલકાતા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે એલર્ટ અપાયુ. લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી. નાગરિકોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રએ સૂચના આપી.
હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા જિલ્લા સહિત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વડોદરામાં વરસાદી માહોલ છવાતા લોતોને ગરમીથી આંશિક રાહત અનુભવી હતી. વરસાદને પગલે પાલિકા તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. પ્રિ મોન્સુન કામગીરી તેજ કરી છે.
બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. બોટાદ શહેરના બોટાદનો ઝાપો , જિનનાક ,શ્રીજી સિનેમા રોડ, લક્ષ્મીવાડી રોડ, હરીપર રોડ, પોલીસ સ્ટેશન રોડ, મગરપાટ, વિસ્તારો પર રોડ પર પાણી ભરાયા છે. ગઢડા શહેર તેમજ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખૂશાલ થઇ ગયા છે.
બોટાદના રાણપુર શહેર તાલુકામાં ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામની સીમમાં વાડીઓમાં પાણી ભરાયા છે. વાડી જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની સંભાવના આઠ દિવસ સુધી ખેતરમાંથી પાણી ભરાયેલું રહેશે તેવું જાણવા મળે છે.વાડીમાં જાર, કપાસ બાજરી, તલ, મગફળી જેવા અનેક પાકોના વાવેતરમાં પાણી ભરાયા છે. ભારે નુકસાની થવાની શક્યતા ને લઈ સર્વે હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે
છોટાઉદેપુર શહેર સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે છોટાઉદેપુર શહેરના વિવિધ વિસ્તારોમાં પડી રહ્યો છે.છોટાઉદેપુરમાં વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.આ વર્ષનો સારો એવો વરસાદ વરસ્તા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લાના છેવાડા તાલુકાઓમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.વરસાદથતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્યના પંથકમાં વરસાદ શરૂ થયો છે. જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, બિલા, તાતણીયા, ઉગલવાણ, સનાળા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
યાત્રા ધામ દેવભૂમિ દ્વારકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. આજે વહેલી સવારથી જ યાત્રા ધામ દ્વારકામાં ધાબળીયુ વાતાવરણ છવાઈ ગયું હતું. અસય ગરમી વચ્ચે એકાએક દ્વારકા માં વરસાદ પડતાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દ્વારકામાં ભારે બફાટ ગરમી વચ્ચે વરસાદ પડતા ઠંડારક થતા સ્થાનિક રહેવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ જામ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની તોફાની બેટિંગ થી લાંબા ગામ ની બજારો ધસમસતા પાણી વહેતા થયા છે. લાંબા ગામે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. ભારે વરસાદથી લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઇ છે. લાંબા ગામની બજારોમાં ગોઠણ સમાં પાણીના પુર વહેતા થયા છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વાપીમા પણ મેઘમહેર યથાવત છે. રેલવેના નાના અંડર પાસમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ અને શાળાએ જતા આવતા બાળકો પરેશાન થયા હતા. શાળાએ જતા આવતા બાળકો જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબુર બન્યા છે. તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
પોરબંદરનાબરડા પંથકના ભેકટડી,અડવાણા અને શીંગડા સહિતના ગામોમા વરસાદ ખાબક્યો છે. ભેટકડીથી અડવાણા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વોકળ છલકાય ઉઠતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણીના પગલે ભેટકડી-અડવાણા રસ્તો બંધ થયો છે. વાડી-ખેતરોમાં પાણીથી તરબોળ બની ગયા છે.
સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસના વરસાદી વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રીથઇ ગઇ છે. ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન ગણી શકાય છે. ખેતરોમાં ઉભા પાક તેમજ વાવણી થઈ ગયા બાદ વરસાદ પડતા ખેડૂતો ખુશ દેખાઇ રહ્યા છે. વરસાદને પગલે શહેરના વરાછા ,કતારગામ, કાપોદ્રા અમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રોડ રસ્તા પાણીથી તરબોળ જોવા મળ્યા છે.
ગીર સોમનાથ જિલ્લા અને તાલુકામાં વરસાદ મેઘમંડાણ થઇ રહ્યા છે. જેમાં તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. તાલાલાના ભીમદેવળ,જસાધાર માધુપુર,રાતીધાર,રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા ધરતીપુત્રો માં આનંદની લાગણી મગફળી, શોયાબીન જેવા પાકને નવજીવન મળશે તેવી અપેક્ષા ખેડૂતોમાં સેવાઇ રહી છે.
હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી કરી છે.એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ અને સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીરસોમનાથ અને ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
