તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
સુરતમાં મૃત મહિલાને જીવિત બતાવી બોગસ દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનો પર્દાફાશ : બે મહિલા અને એક ભેજાબાજની ધરપકડ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે જમીન પચાવી પાડવાનું એક ચોંકાવનારું કાવતરું સામે આવ્યું

સુરત જિલ્લામાં 49 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાનાને કાગળ પર ફરી જીવંત કરી બોગસ દસ્તાવેજો બનાવી કિંમતી 13 ગૂંથા જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે. પોલીસે બે મહિલા સહિત એક ભેજાબાજને ઝડપી લીધા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે જમીન પચાવી પાડવાનું એક ચોંકાવનારું કાવતરું સામે આવ્યું છે. 49 વર્ષ પહેલા અવસાન પામેલી એક મહિલાના નામે બોગસ ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજી પુરાવા ઊભા કરીને જમીન હડપ કરી લીધી હતી અને કબજો જમાવી દીધો હતો. આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાની વિગતો કંઈક એવી છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દઢાલ ગામે રહેતા મહંમદ સોહેલ ઈદ્રીશ નાનાબાવાને જાણવા મળ્યું હતું કે, તેમના માતાના દાદી, આયેશા ઉર્ફે આંસુ અસમાલ અહમદ, જેમનું અવસાન 1976માં થયું હતું, તેમના નામે ચાલી આવતી સર્વે નંબર 293 (જૂનો સર્વે નંબર 207 પૈકી બે ખાતાવાળી) જમીન હથુરણ ગામના અબ્દુલ સમદ અહમદ કોલીયા અને તેમની પત્ની મરિયમ અબ્દુલ સમદ ગોલ્યા તેમજ તેમના ઓળખીતા ફઝલના બાનું ઈસ્માઈલ અહમદ દ્વારા હડપ કરવાનું નક્કી કરી લીધું હતું.
આરોપીઓએ શાતીર દિમાગે કાવતરું ઘડીને 49 વર્ષ પહેલા મૃત્યુ પામેલા આંસુબેનના નામે એક ખોટું ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું. આ કાર્ડમાં મતદારના નામમાં છેડછાડ કરીને "ફરીદામીર" ના નામની જગ્યાએ "આંસુબેન" નું નામ લખવામાં આવ્યું હતું અને તેમનો ખોટો ફોટો લગાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ નોટરીઓ પાસેથી ખોટા સોગંદનામા અને અન્ય દસ્તાવેજી પુરાવા ઊભા કરીને, તેઓ આ જમીનના વારસદાર બની જમીનને પોતાના નામે કરાવી લેવા માટે અઢી વર્ષ અગાઉ ફરી કાગળ પર જીવંત કરી દીધા હતા
આરોપીઓએ આ કાવતરામાં સાક્ષી તરીકે પણ ખોટા લોકોના સહી-સિક્કા કરાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, નોટરીના પણ ખોટા સહી-સિક્કા અને હથુરણ ગ્રામ પંચાયતના પણ ખોટા સહી-સિક્કા કરાવીને બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા. આ રીતે, આરોપીઓએ કીમતી 13 ગૂંથા જમીન પચાવી પાડવામાં સફળતા મેળવી હતી.ત્યારે જમીન ના અસલી હકદાર ને આ બાબતથી જાણ થતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તુરત પોલીસ મથક ખાતે અરજી કરી હતી. જે અરજી તપાસમાં અબ્દુલ સમદ અહમદ ગોલયા, તેમજ પત્ની મરિયમ અબ્દુલ સમદ ગોલીયા અને ફઝલ બાનુ ઈસ્માઈલ અહમદ વિરુદ્ધ ગુનો દાખલ કરી ગણતરીની કલાકો જ ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
