<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા બચાવ સાધનોની ચકાસણી અને મૂલ્યાંકન કરાયું

બચાવ સાધનોની યોગ્ય ચકાસણી કરીને સલામતીના પ્રથમ પગથિયાને સુનિશ્ચિત કરતું ડિઝાસ્ટર તંત્ર

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર હરેકૃષ્ણ બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં રાજપીપલા કરજણ ઓવારા ખાતે આપત્તિ સમયે ઉપયોગી બચાવ સાધનો જેમ કે, બચાવ કાર્ય માટેની બોટ, લાઈફ જેકેટ સહિત અન્ય બચાવ સાધનોની કાર્યક્ષમતા અને આપદાની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક ઉપયોગ થાય તેવા આશય સાથે બચાવ સામગ્રીઓનું નિરીક્ષણ તથા તકેદારીભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.  
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને બચાવ માટે આવા સાધનોનો કેવી રીતે અસરકારક ઉપયોગ કરી શકાય તે અંગે પણ સંબંધિત અધિકારી-સ્ટાફ કર્મીઓ વચ્ચે ચર્ચા કરાઈ હતી. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા આપદાની પરિસ્થિતિને ધ્યાને લઈને આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે
આ નિરીક્ષણ તથા બચાવ સાધનોની ચકાસણીનો આશય આપદાની પરિસ્થિતિમાં તેનો અસરકારક ઉપયોગ કરવા તેમજ તંત્ર દ્વારા સ્થાનિક અધિકારીઓ-કર્મચારીઓ અને રેસ્ક્યૂ ટીમને માર્ગદર્શન આપી ભવિષ્ય માં શક્ય આપદાની પરિસ્થિતિમાં અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવાનો હતો.
આ તકે ડિઝાસ્ટર-ડીપીઓ અંકિતભાઈ પરમાર, રાજપીપલા નગરપાલિકાના ઇ. ફાયરમેન અનિલકુમાર વસાવા, સહિત કર્મચારીઓ અને બોટ ચાલકો ઉપસ્થિત રહ્યા હતા. 


 

(11:09 PM IST)