<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

૪૦ મેડિકલ કોલેજો પર સીબીઆઈના દરોડા : ૧૩૦૦ કરોડના કૌભાંડની શંકા

એનએમસી અને આરોગ્‍ય વિભાગના ૧૧ અધિકારી સહિત કુલ ૩૬ સામે એફઆઈઆર : ગુજરાતના કલોલ ખાતેની સ્‍વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક ભગત વાત્‍સલદાસજી નામ પણ ફરિયાદમાં સામેલ છે

 

અમદાવાદ,તા.૦૫: દેશમાં તાજેતરમાં ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના અધ્‍યક્ષ પર સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્‍યા છે. આ જ રીતે નેશનલ મેડિકલ કમિશન અને કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય વિભાગના ૧૧ અધિકારીઓ  સહિત કુલ ૩૬ વ્‍યક્‍તિ સામે સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચાર બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીબીઆઇએ ૪૦ મેડિકલ કોલેજો પર દરોડા પાડીને લાખો રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. ૬ની ધરપકડ થઈ છે. મેડિકલનું સમગ્ર કૌભાંડ ૧૩૦૦ કરોડ રૂપિયાથી વધારેનું હોવાની આશંકા પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. ગુજરાતના કલોલ ખાતેની સ્‍વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલકનું નામ પણ ફરિયાદમાં સામેલ છે.

ફાર્મસી કાઉન્‍સિલમાં જે પ્રમાણે કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્‍યું છે, તે જ રીતે મેડિકલમાં સીબીઆઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતાં રૂપિયા લઇને કોલેજની મંજૂરી આપવામાં આવતી હોવાનું બહાર આવ્‍યું હતું. ઉચ્‍ચસ્‍તર સુધી પહોંચેલી ફરિયાદના અનુસંધાનમાં સીબીઆઇ દ્વારા કર્ણાટક, રાજસ્‍થાન, છત્તીસગઢ, ઉત્તર-દેશ, ન્‍યુ દિલ્‍હી, મધ્‍ય-દેશ અને ગુજરાતમાં દરોડા પાડયા છે. ૩૬ આરોપીઓમાં કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના ૧૧ અધિકારી, નેશનલ મેડિકલ કમિશનના જોઇન્‍ટ ડાયરેક્‍ટર અને યુજી અને પીજીને મંજૂરી આપતાં બોર્ડના સિનિયર મેમ્‍બર ડો.જે. એલ. મીનાનું નામ પણ સામેલ છે. જોઇન્‍ટ ડાયરેક્‍ટર પાસેથી ૫૦ લાખ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે.

એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે તેમાં ગુજરાતની કલોલ ખાતેની સ્‍વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સ્‍વામી ભગતવાત્‍સલદાસજી, રાયપુર છતીસગઢના ધાર્મિક ગુરુ રવિશંકરજી મહારાજ, ચેરમેન રાવતપુરા સરકાર ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્‍સ, રાયપુરનું નામ પણ સામેલ છે. સીબીઆઇની તપાસમાં નેશનલ મેડિકલ કમિશનના આઇટી વિભાગ અને યુજી-પીજી બોર્ડના અધિકારીઓ તેમજ કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના અધિકારીઓની સાંઠગાંઠમાં વ્‍યવસ્‍થિત રેકેટ ચલાવવામાં આવતું હોવાનું ખૂલ્‍યું હતું. મેડિકલ કોલેજમાં ભૂતિયા ફેકલ્‍ટી, અપૂરતા પેશન્‍ટ, માળખાકીય સુવિધાઓનો અભાવ હોવા છતાં લાખો રૂપિયાની લાંચ લઇને મેડિકલ કોલેજોને મંજૂરી આપતાં હતા.

હાલમાં સીબીઆઇ દ્વારા ૬ વ્‍યક્‍તિઓ કે જેમાં ૩ ડોક્‍ટરો સામેલ છે તેમની ધરપકડ કરીને રિમાન્‍ડ પર લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં નેશનલ મેડિકલ કમિશન અને કેન્‍દ્રીય આરોગ્‍ય વિભાગના અનેક ઉચ્‍ચ અધિકારીઓના નામ બહાર આવવાની શકયતા છે. એક સાથે ૪૦થી વધુ મેડિકલ કોલેજ પર સીબીઆઇના દરોડોના કારણે હાલમાં સમગ્ર દેશમાં મેડિકલ વર્તુળમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. (૪૦.૧૧)

(9:58 AM IST)