News of Saturday, 5th July 2025
મહિલા શક્તિનો ઉદયઃ સહકારિતા દ્વારા સફળતાની નવી ગાથા વાર્ષિક આવકમાં ૪૩%નો જબરદસ્ત વધારો

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગરઃ ગુજરાતમાં મહિલાઓએ સહકારી ક્ષેત્ર દ્વારા આર્થિક અને સામાજીક પરિવર્તનનું એક નવું પ્રકરણ લખ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો હંમેશા દ્રઢ વિશ્વાસ રહ્યો છે કે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવીને જ ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવી શકાય છે. આ વિઝનને આગળ વધારતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતને સહકારી ક્ષેત્ર દ્વારા મહિલા સશક્તિકરણને વાસ્તવિકતામાં બદલ્યું છે.
આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પર ગુજરાત સરકારે રાજ્યમાં મહિલાઓની વધતી ભાગીદારીના ઘણા પ્રેરક આંકડા શેર કર્યા છે. આ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦ થી ૨૦૨૫ વચ્ચે) મહિલા નેતૃત્વવાળી ડેરી સહકારી સમિતિઓ ૨૧% વધીને ૩૭૬૪ થી ૪૫૬૨ થઈ ગઈ છે.
ગુજરાતના સહકારિતા વિભાગ દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ, દૂધ સંધોમાં પણ મહિલાઓની નેતૃત્વ ભૂમિકા વધી છે. વર્ષ ૨૦૨૫માં દૂધ સંઘોના ૮૨ નિર્દેશકોમાંથી ૨૫% સભ્યો મહિલાઓ છે, જે દૂધ સંઘોની નિતી નિર્ધારણમાં તેમની સક્રિય ભાગીદારી દર્શાવે છે. ગુજરાતની ડેરી સહકારી સમિતિઓમાં મહિલાઓની સભ્યપદ પણ સતત વધી રહી છે. ગુજરાતમાં લગભગ ૩૬ લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી લગભગ ૧૨ લાખ મહિલાઓ છે, એટલે કે લગભગ ૩૨% દૂધ ઉત્પાદક સભ્યો મહિલાઓ છે.
આટલું જ નહીં, આ જ સમયગાળામાં ગ્રામીણ સ્તરની સહકારી સમિતિઓની પ્રબંધન સમિતિઓમાં પણ મહિલાઓની ભાગીદારી ૧૪% વધી છે. આ પ્રબંધન સમિતિઓમાં મહિલાઓની સંખ્યા ૭૦,૨૦૦ થી વધીને ૮૦,૦૦૦ થઈ ગઈ છે. આ મહિલાઓ હવે ગ્રામીણ સ્તરની સહકારી સમિતિઓમાં નિતી નિર્માણ, સંચાલન અને દેખરેખ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે.
આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના ખાસ અવસર પર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા શેર કરાયેલા આંકડામાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ સહકારી સમિતિઓ દ્વારા દૂધનું સંગ્રહ ૨૦૨૦માં ૪૧ લાખ લિટર પ્રતી દિવસથી ૩૯% વધીને ૨૦૨૫માં ૫૭ લાખ લિટર પ્રતિ દિવસ થઈ ગયું છે, જે વર્તમાન સમયમાં રાજ્યના કુલ દૂધ સંગ્રહનો લગભગ ૨૬% છે.
છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં મહિલા સંચાલિત સમિતિઓના ટર્નઓવરમાં રૂ.૨૭૦૦ કરોડનો વધારો થયો છે, જે ૪૩%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ સફળતા મહિલા સશક્તિકરણના સહકારી મોડેલની મજબૂતીનો પુરાવો છે
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
