News of Saturday, 5th July 2025
ચિત્રાવાડી કાથાફેક્ટરી પાસેની ગુરૂકૃપા સ્કાય બ્રિક્સમાં કામ કરતા બાળશ્રમિકને મુક્ત કરાવી, કાર્યવાહી કરાઇ
રાજપીપળા-પોઈચા રોડ પર જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા બાળ શ્રમિકો અંગે તપાસ કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા નાંદોદ તાલુકામાં રાજપીપળા-પોઈચા રોડ વિસ્તારમાં ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી.રેડ દરમ્યાન એક બાળશ્રમિકને મુક્ત કરાવી સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપળા-પોઈચા રોડના વિસ્તારમાં આવેલી એક સંસ્થામાં રેડ કરતાં ચિત્રાવાડી પાસે કાથાફેક્ટરી નજીક આવેલી ગુરૂકૃપા સ્કાય બ્રિક્સ નામની સંસ્થા ખાતે એક બાળશ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમ્યાન બાળ. શ્રમિક હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તે બાળશ્રમિકને મુક્ત કરાવી કાર્યવાહી કરી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-રાજપીપળા ખાતે સારસંભાળ માટે સોંપવામાં આવ્યો છે. બાળશ્રમિકને કામે રાખનાર સંસ્થાના માલિક સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં નર્મદાના ઇન્ચાર્જ સરકારી શ્રમ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદા જિલ્લા માંથી સામાજીક કાર્યકર તેમજ પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ-ભરૂચના પ્રોજેક્ટ કો-ઓડીનર સહિતની ટીમ દ્વારા સંસ્થાના માલિક સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
