<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

બનાસકાંઠા અને આણંદમાં વીજ કરંટથી માતા પિતા અને પુત્ર સહિત બે અલગ અલગ બનાવોમાં પાંચના મોત

બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં વીજ કરંટ લાગવાથી પાંચ વ્યક્તિઓના મોત થયા હોવાના કરૂણ કિસ્સા સામે આવ્યા છે.

બનાસકાંઠાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરંટ લાગવાથી મોત નીપજ્યા છે, જ્યારે આણંદના ઉમરેઠ નજીક મોહરમ દરમિયાન તાજિયાને વીજ તાર અડી જતાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે.

 

બનાસકાંઠા: બોરવેલ ચાલુ કરતા ત્રણના મોત

બનાસકાંઠાના વાવ તાલુકાના ધરાધરા ગામે વહેલી સવારે ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયેલા જેઠા મકવાણા, તેમના પત્ની રખુંબેન મકવાણા અને પુત્ર પથુ મકવાણાને વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વાવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

બીજી તરફ, આણંદ જિલ્લાના ઉમરેઠ પાસેના બેચરી ગામે મોહરમ પર્વ દરમિયાન કતલની રાત્રીએ તાજીયા દરમિયાન વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. મૃત્યુ પામેલા યુવકોની ઓળખ મોહસીનખાન અને હુસેનખાન તરીકે થઈ છે. માહિતી અનુસાર, તાજીયા વીજ વાયરને અડી જતાં આ કરૂણ દુર્ઘટના બની હતી, જેના કારણે બેચરી ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો.

(1:53 PM IST)