તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
સુરતમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ: અનેક વિસ્તારો જળબંબાકાર, હવામાન વિભાગનું યલો એલર્ટ
સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન રાજ્યના ૫૧ તાલુકામાં વરસાદ: સૌથી વધુ વ્યારામાં ૨ ઇંચ: આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગે આજે સુરતમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, આગામી ત્રણ કલાક માટે રાજ્યના ૨૪ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૧૨ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન રાજ્યના ૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વ્યારામાં ૨ ઇંચ વરસાદ પડ્યો છે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરતમાં જળબંબાકારની સ્થિતિ
હવામાન વિભાગની આગાહી મુજબ, સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. શહેરના અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસુ, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉધના અને ડિંડોલી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૮ કલાકમાં ૨૧ મિ.મી. એક ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અને એલર્ટ:
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક (બપોરે ૧ વાગ્યા સુધી) માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે:
* ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પાટણ, કચ્છ, મોરબી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ભરૂચ.
* યલો એલર્ટ: મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર.
સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૫૧ તાલુકામાં વરસાદ
આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૫૧ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વ્યારામાં ૨ ઇંચ, જ્યારે બારડોલી, વાલોડ, ડોલવણ, સોનગઢ અને દાંતામાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે, જેમાં પલસાણામાં ૧૮ મિ.મી., મહુવામાં ૧૪ મિ.મી., કામરેજમાં ૬ મિ.મી., ઓલપાડમાં ૫ મિ.મી., બારડોલીમાં ૩૨ મિ.મી., ચોર્યાસીમાં ૪ મિ.મી., માંગરોળમાં ૧૦ મિ.મી., માંડવીમાં ૭ મિ.મી. અને ઉમરપાડામાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
