<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

વડોદરા MS યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગ :100થી વધુ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરાઈ

ઘટનાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ વિધાર્થિનીઓમાં ઉઠી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ગત રાત્રીના ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી હતી. રાત્રિ ભોજન કર્યા બાદ એક પછી એક કરીને વિદ્યાર્થિનીઓની તબિયત લથડવા લાગી હતી. નબળાઈ અને ઉલ્ટી જેવા લક્ષણો દેખાતા હોસ્ટેલના વોર્ડનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. 

   સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને બિમાર વિદ્યાર્થિનીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એમ્બ્યુલન્સની અછત સર્જાતા અંતે પોલીસ વાહનોની મદદથી વિદ્યાર્થીઓને સારવાર માટે લઇ જવામાં આવી હતી. 

    મળતી માહિતી પ્રમાણે, યુનિવર્સિટીની ત્રણથી ચાર જુદી જુદી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી કુલ 100 થી વધુ વિદ્યાર્થિનીઓ આ ફૂડ પોઇઝનિંગની અસર હેઠળ આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ વિદ્યાર્થિનીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબીબી નિરીક્ષણ ચાલી રહ્યું છે. 

યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ  વિધાર્થિનીઓમાં ઉઠી છે. આવી ઘટનાઓ વિદ્યાર્થીનીઓના આરોગ્ય તથા સુરક્ષા અંગે ચિંતાનો વિષય બનતી હોય, સંસ્થાઓએ વધુ જવાબદારીપૂર્વક વ્યવસ્થાઓ નિભાવવી જરૂરી બની છે.  


 

(11:54 AM IST)