તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
ગુજરાતમાં કારનું વેચાણ ઘટયું: હવે તહેવારો પર બજારની નજર
વર્ષના પહેલા છ મહિનામાં કારનું વેચાણ ગત વર્ષ કરતા ઘટયું : રથયાત્રામાં પણ ડિલર્સની અપેક્ષા મુજબ કાર્સનું વેચાણ થયું ન હતું, હવે તેઓ નવરાત્રિ અને દિવાળીએ ખરીદી વધવાની આશા રાખી રહ્યા છે

અમદાવાદ, તા.૯: ગુજરાતના કાર માર્કેટ સુસ્ત જોવા મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૫ના પહેલા છ મહિનામાં કારના વેચાણમાં યર-ઓન-યર ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૪માં જાન્યુઆરીથી જૂનની વચ્ચે ૧,૮૩,૮૬૬ કારનું રજિસ્ટ્રેશન થયું હતું, જ્યારે વર્ષ ૨૦૨૫ના પહેલા છ મહિનામાં ૧,૬૧,૩૬૨ કારનું રજિસ્ટ્રેશન થયું છે. જે દર્શાવે છે કે, ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પડકારોનો સામનો કરી રહી છે. ડીલર્સનું કહેવું છે કે, વર્ષના આરંભમાં શેર માર્કેટમાં થયેલો ઘટાડો, ભારત અને પાક વચ્ચેનો તણાવ અને જિયોપોલિટિકલ સમસ્યાઓના કારણે કારનું વેચાણ ઘટયું છે.
રથયાત્રામાં ઘણા ટુ-વ્હીલર વેચાયા હતા, પરંતુ કારનું વેચાણ પ્રમાણમાં ઓછું થયું હતું. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના ડેટા મુજબ, જૂન મહિનામાં કારના વેચાણમાં ગત વર્ષ કરતા ૮.૨ ટકા જેટલો સામાન્ય વધારો થયો હતો. આ મહિનામાં કુલ ૨૩,૭૪૪ કાર વેચાઈ હતી. જ્યારે કે ગત વર્ષે જૂનમાં ૨૧,૯૪૬ કારનું વેચાણ થયું હતું. જોકે,ગત વર્ષ કરતા આ વર્ષે કારનું વેચાણ ઓવરઓલ ઓછું રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સારા ચોમાસા અને ફ્લુઅલના સ્થિર ભાવ અને ઈકોનોમી અંગે સકારાત્મક સંકેતોના કારણે નવરાત્રિ અને દિવાળીમાં ઓટો માર્કેટમાં તેજી જોવા મળી શકે છે.
ગુજરાતના ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના ચેરમેન પ્રણવ શાહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, રથયાત્રાને વાહનોની ખરીદી માટે શુભ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાહનોની ખરીદીમાં સામાન્ય વધારો જ થયો છે.
RTOના એક સીનિયર અધિકારીના જણાવ્યા મુજબ,કાર બજાર સતત પડડારોનો સામનો કરી રહ્યું છે. એન્ટ્રી-લેવર સેગમેન્ટ્સને સૌથી વધુ અસર થઈ છે કેમકે યુવાનો SUV અને મિડ સેગમેન્ટ કાર પસંદ કરી રહ્યા છે. ઈકોનોમિક અનિヘતિતા અને કિંમતોની અસર પણ પડી છે. તેમણે કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળા અને શિયાળામાં પાક ઓછો થતા એગ્રિકલ્ચરલ ઈકોનોમી અપેક્ષા મુજબ દેખાવ નથી કરી રહી, જેની અસર ખાસ કરીને નાના શહેરો અને તાલુકાઓમાં ફોર-વ્હીલર વાહનોના માર્કેટ પર જોવા મળી રહી છે.
MoRTHના આંકડા મુજબ, ટુ-વ્હીલર્સના રજિસ્ટ્રેશનમાં યર-ઓન-યર ૧૮.૬ ટકાનો વધારો થયો છે. જૂન ૨૦૨૪માં ૮૪,૮૦૩ યુનિટનું રજિસ્ટ્રેશન થયું હતું,જ્યારે કે જૂન ૨૦૨૫માં ૧,૦૦,૬૧૫ ટુ-વ્હીલર્સનું રજિસ્ટ્રેશન થયું રહ્યું હતું. વર્ષ ૨૦૨૫ના પહેલા છ મહિનામાં ટુ-વ્હીલર્સના રજિસ્ટ્રેશનમાં ૩.૪ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ ૫,૬૮,૪૨૧ ટુ-વ્હીલર્સનું રજિસ્ટ્રેશન થયું હતું.ગત વર્ષે આ જ ગાળામાં ૫,૪૯,૮૦૫ યુનિટ રજિસ્ટર થયા હતા.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
