<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

લગ્નની લાલચ આપી પરિણીત યુવકે યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી

ત્રણ વર્ષ પહેલા મહિલા સાથે મિત્રતા બંધાઇ હતીઃમહિલાએ યુવક સામે વિશ્વાસઘાત, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

અમદાવાદ,તા.૯

સુરેન્દ્રનગરમાં રહેતી ૨૮ વર્ષીય મહિલા બ્યુટીપાર્લરનું કામ કરે છે. તેણે ૨૦૧૫માં અમરાઇવાડીના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પતિ-પત્નીને મનમેળ ન આવતા ૨૦૧૯માં છુટાછેડા લીધા હતા. બાદ મહિલા તેના વતન ગઇ પરંતુ માતા-પિતાએ રાખવાની ના પાડી હતી. તેથી તે અમરાઇવાડીમાં તેની બહેનપણીના ઘરે રહેવા આવી હતી. ત્યાં બહેનપણીના પતિનો મિત્ર અવારનવાર આવતો હોવાથી ત્રણ વર્ષ પહેલા મહિલા સાથે મિત્રતા બંધાઇ હતી. તે યુવકે તેને લગ્નની લાલચ આપીને પ્રેમસંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ભાડે ઘર લઇ આપીને યુવક અવારનવાર તેની સાથે રોકાતો હતો અને શરીરસંબંધ બાંધતો હતો. આ દરમ્યાન યુવક પર અનેક ફોન આવતા હતા. મહિલાએ પૂછતા તે પરિણીત હોવાનું જણાવ્યું હતું તેમજ પત્ની સાથે છુટાછેડા લેવાનો છે તેમ કહ્યુ હતુ. મહિલા અને યુવક ઘરે હતા તે સમયે યુવકના માતા-પિતા અને પત્ની આવી ગયા હતા અને બંનેને સમજાવ્યા હતા. બાદ પણ બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને યુવકે મહિલાને ગર્ભવતી બનાવી હતી. બાદમાં યુવકે આપણા લગ્ન થઇ શકશે નહીં, તારે જે કરવું હોય તે કર કહીને તરછોડી દીધી હતી. આ અંગે મહિલાએ યુવક સામે વિશ્વાસઘાત, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(10:24 PM IST)