News of Thursday, 10th July 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મુજપુર - ગંભીરા પુલ દુર્ઘટના અંગે કડક નિર્ણય : ૪ જવાબદાર ઇજનેરોને તાત્કાલિક ફરજમોકૂફ કરાયા!
દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ : નિષ્ણાતોની ટીમ દ્વારા રિપોર્ટ બાદ કાર્યવાહી : રાજ્યના અન્ય પુલોની પણ સઘન સલામતી ચકાસણીની સૂચના અપાઈ : જવાબદારો સામે દાખલો બેસાડવાનો પ્રયાસ

(વિજય વસાણી દ્વારા), ગાંધીનગર : વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટનાને ગંભીરતાથી લઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આ મામલે કડક પગલાં લીધા છે. પ્રાથમિક તપાસના અવલોકનોના આધારે, માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઇજનેર અને એક મદદનીશ ઇજનેર ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવાની જવાબદારી નિષ્ણાતોની એક ટીમને સોંપી હતી.
નિષ્ણાતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ અને તેના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે, આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલા અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં એન. એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી. પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), આર.ટી. પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર) અને જે.વી. શાહ (મદદનીશ ઇજનેર) ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતીને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ આપી છે. આ પગલાં દ્વારા રાજ્ય સરકાર દ્વારા પુલ દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
