<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ગુજરાત કોંગ્રેસના પ્રમુખની ટૂંક સમયમાં વરણી થશે

ગઈકાલે દિલ્‍હી ખાતે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓની બેઠક મળી હતીઃ વિધાનસભામાં પક્ષના નેતાના નામની પણ ચર્ચા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૧૧: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલના રાજીનામાંથી ખાલી પડેલ નવા પ્રમુખ અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ગઈકાલે દિલ્‍હી ખાતે નવા પ્રમુખની નિયુક્‍તિ માટે રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દિલ્‍હી ખાતે રાહુલ ગાંધી સાથે બેઠકમાં પ્રમુખ તરીકે ત્રણ નામોની ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં અમિત ચાવડા,ગેનીબેન ઠાકોર અને લાલજીભાઈ દેસાઈના નામો નક્કી કરવામાં આવ્‍યા છે આ ત્રણમાંથી એક નામની સંભવિત જાહેરાત ટૂંક સમયમાં જ કરી દેવામાં આવશે.

જોકે કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લાલજીભાઈ દેસાઈના નામ ઉપર પ્રમુખ તરીકેની મહોર લાગશે.

આ બેઠકમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં હાલ બે ધારાસભ્‍યોની પસંદગી કરવામાં આવી છે જેમાં શૈલેષ પરમાર અને કિરીટ પરમાર બંનેમાંથી કોઈ એકને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.

પ્રદેશ અધ્‍યક્ષ માટે ત્રણ નામો અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે બે નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે હવે ટૂંક સમયમાં જ પ્રદેશ અધ્‍યક્ષ અને વિધાનસભામાં નેતા તરીકેના નામોની જાહેરાત કરી દેવામાં આવશે.

ગઈકાલે મળેલ બેઠકમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા

(3:57 PM IST)