News of Friday, 11th July 2025
વિશ્વ વસ્તી ઝુંબેશ અંતર્ગત વિરમગામ તાલુકામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે જન જાગૃતિ શિબિર કરી કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું : ''માં બનવાની ઉમર એ જ ,જ્યારે શરીર અને મન તૈયાર હોય' સૂત્ર અંગેની સમજ આપાઇ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આજે વિશ્વની વસ્તી કુદકે અને ભૂસકે વધી રહી છે ત્યારે વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં જન સંખ્યા સ્થિર રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કાર્તિક શાહના માર્ગદર્શન મુજબ અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વિશ્વ વસ્તી ઝુંબેશ અંતર્ગત વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામની ટીમ દ્વારા લાભાર્થીઓને સ્ત્રી નસબંધી, અંતરા, છાયા, ગર્ભનિરોધક ગોળીઓ, આંકડી, પુરુષ નસબંધી, નિરોધ સહીતની કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય કચેરી ટીમ, આરબીએસકે ટીમ, મપહેવ, ફિહેવ, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં 11 જુલાઇ થી 18 જુલાઈ સુધી વિશ્વ વસ્તી ઝુંબેશની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારમાં આવેલા વિવિધ ગામોમાં જન જાગૃતિ ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને ''માં બનવાની ઉમર એ જ ,જ્યારે શરીર અને મન તૈયાર હોય'' સૂત્ર અંગેની પણ સમજ આપવામાં આવી રહી છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
