News of Friday, 11th July 2025
ભરૂચ - સુરત NH-૪૮ પર તાપી બ્રિજનું સમારકામ : આજ રાતથી ૧ મહિનો ભારે વાહનો માટે હાઈવે બંધ, એક્સપ્રેસ-વે ફરજિયાત!
જિલ્લા મેજિસ્ટ્રેટ સુરત દ્વારા જાહેરનામું બહાર પડાયું : તા. ૧૦ જુલાઈ થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધી ડાયવર્ઝન અમલમાં : ટુ-વ્હીલર માટે વર્તમાન રૂટ ચાલુ રહેશે : NHAI ને વૈકલ્પિક માર્ગના બોર્ડ લગાવવા સૂચના

સુરત : સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા આજે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ ભરૂચથી સુરત સુધીના નેશનલ હાઈવે-૪૮ (NH-૪૮) પર આવેલ તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના કારણે આજ રાતથી (તા. ૧૦/૦૭/૨૦૨૫) એક મહિના માટે, એટલે કે તા. ૧૦/૦૮/૨૦૨૫ સુધી, ભરૂચથી સુરત તરફ આવતા ભારે વાહનો માટે NH-૪૮ નો એક ભાગ બંધ કરી ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI), પરિયોજના કાર્યાન્વયન યુનિટ, સુરત દ્વારા તા. ૧૦/૦૭/૨૦૨૫ ના પત્રથી જાણ કરવામાં આવી હતી કે તાપી બ્રિજના સમારકામની તાત્કાલિક જરૂરિયાત છે. કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આયોજનના ભાગરૂપે, ભરૂચથી સુરત સુધીના NH-૪૮ પર આવેલ તાપી બ્રિજની ડાબી સાઈડ તરફથી આવતા ભારે વાહનોને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, પેકેજ-૬ તરફ વાળવામાં આવશે.
સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારી (જી.એ.એસ.) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક નિયમન સંબંધિત કોઈ સમસ્યાઓ ઊભી ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
ડાયવર્ઝનની મુખ્ય વિગતો:
* વાહનનો પ્રકાર: ભારે વાહનો (ટ્રક, બસ વગેરે).
* અસરગ્રસ્ત રૂટ: ભરૂચથી સુરત સુધીના NH-૪૮ પર આવેલ તાપી બ્રિજની ડાબી સાઈડ તરફથી આવતા વાહનો.
* વૈકલ્પિક રૂટ: વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, પેકેજ-૬.
* ટુ-વ્હીલર માટે: એક્સપ્રેસ-વે પર ટુ-વ્હિલર વાહનોને મંજૂરી નથી, તેથી ટુ-વ્હીલર ચાલકોએ હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ ચાલુ રાખવાનો રહેશે.
* જમણી સાઈડ માટે: ભરૂચથી સુરત સુધીના NH-૪૮ પર આવેલ તાપી બ્રિજની જમણી સાઈડ તરફથી જતા વાહનો માટે હાલનો રૂટ યથાવત રહેશે.
NHAI, પરિયોજના કાર્યાન્વયન યુનિટ, સુરતને ડાયવર્ઝન વાળી જગ્યાએ દિશા દર્શાવતા બોર્ડ લગાવવાની અને નિયમાનુસાર વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. જો આ વ્યવસ્થામાં કોઈ ચૂક થશે અને કોઈ આકસ્મિક ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે તેમ પણ જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવાયું છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. ડેપ્યુટી પોલીસ અધિક્ષક કક્ષાથી લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
