News of Friday, 11th July 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ પણ બે લોકો હજુ લાપતા: પરિવારજનો આશાભરી આંખે જોઈ રહ્યા છે રાહ
ગોધરા જિલ્લાના રહેવાસી ટ્રક ચાલક સુખાભાઈ અને પાદરાના 25 વર્ષીય વિક્રમસિંહ પઢીયાર પણ હજુ લાપતા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક આવેલા ગંભીરા બ્રિજ પર ઘટેલી ભયાનક દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવનમાં ગમગીની છવાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે હજુ પણ બે લોકો લાપતા છે. દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ તેમની કોઈ ભાળ ન મળતા, તણાવગ્રસ્ત પરિવારજનો રાત-દિવસ નદીના તટ પર આશાભરી આંખે પોતાના લાપતા સ્વજનની રાહ જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા હાલ પણ અનેક પડકારો વચ્ચે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે.
ગત બુધવારે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ગોધરા જિલ્લાના રહેવાસી ટ્રક ચાલક સુખાભાઈ ક્લીનર પર્વત વાગડીયા સાથે મોરબીથી ટાઇલ્સ લઈને સુરત જઈ રહ્યા હતા. ગંભીરા બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક બ્રિજ તૂટી પડતાં તેમનો ટ્રક સીધો 110 ફૂટ ઊંડા મહીસાગર નદીમાં ખાબક્યો. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પર્વત વાગડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે સુખાભાઈનો ત્રણ દિવસ પછી પણ કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારજનો આશાભરી આંખે સતત નદીના કાંઠે તેમની રાહ જોઈ રહ્યા છે
આ દુર્ઘટનામાં પાદરાના 25 વર્ષીય વિક્રમસિંહ પઢીયાર પણ લાપતા છે. રોજગારી માટે ઘરેથી નીકળેલા વિક્રમસિંહ તેમના પરિવારના એકમાત્ર કમાવનારા હતા. તેમની દોઢ વર્ષની દીકરી અને પત્ની સાથે આખો પરિવાર એક ઝાટકાથી જીવનભર માટે અંધકારમાં ધકેલાઈ ગયો છે. વિક્રમસિંહના સ્વજનો હજુ પણ દુર્ઘટના સ્થળે રાહ જોઈ રહ્યા છે. તણાવ, ભય અને આશાની વચ્ચે જીવતા આ પરિવારની હાલત જોઈ કોઈની પણ આંખે પાણી આવી જાય. તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશનમાં પૂરજોશથી પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ ત્રણ દિવસ પછી પણ કેટલાક સ્વજનોની અનિશ્ચિતતા હજુ યથાવત છે
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
