<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

નવસારીના વાંસદાના કપડવંજમાં દીપડાનો આતંક : ઘરમાં ઘુસેલા દીપડાએ હાહાકાર મચાવી ચાર લોકો પર કર્યો હુમલો

ઘરધણી કાળુ માંદા સહિત ત્રણ લોકોને ઘાયલ કર્યા: ભાગીને બાજુના ઘરમાં ઘુસ્યો : વલસાડ DFO સહિત ધરમપુર, વલસાડ, ચીખલી વન વિભાગની ટીમ પણ વાંસદા પહોંચી

નવસારીના વાંસદા તાલુકાના કપડવંજ ગામે નીચલા ફળિયામાં આજે બપોરે કોઢારમાં પશુનો શિકાર કરવા ઘૂસેલા દીપડાને ભગાવવા જતા દીપડો બાજુના ઘરમાં ઘૂસી ગયો હતો. જેણે કોધાર સાથેના ઘરમાં તાંડવ મચાવી ઘરધણી કાળુ માંદા સહિત ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. બાદમાં બાજુના ઘરમાં ઘૂસીને સંતાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળ પહોંચી અને દીપડાને ડાર્ટ ગનથી બેહોશ કરી તેને રેસ્ક્યૂ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કપડવંજ ગામે આજે બપોરે શિકારની શોધમાં આવેલા એક દીપડાએ વાછરડાને પોતાનો કોળિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘર માલિક સહિતના ગ્રામીણોએ દીપડાને ભગવાનો પ્રયાસ કર્યો, તો હિંસક બનેલા દીપડાએ ગ્રામજનો ઉપર જ હુમલો કરીને 4 લોકોને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ ભાગીને નજીકના ઘરમાં ભરાઈ ગયો હતો.  દીપડાના હુમલામાં ઘાયલ ચારેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા જ વાંસદા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

સમગ્ર ઘટનાની જાણ થતા વલસાડ DFO સહિત ધરમપુર, વલસાડ, ચીખલી વન વિભાગની ટીમ પણ વાંસદા પહોંચી છે અને દીપડાનું સુરક્ષિત રેસ્ક્યુ કરવા માટે કસરત કરી રહ્યા છે. જેની સાથે દાટ ગનનો ઉપયોગ કરીને દીપડાને બેહોશ કર્યા બાદ દિપડાને પકડવામાં આવશે. દીપડો ઘરમાં ઘૂસ્યો હોવાની વાત જાણતા જ આસપાસના ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે વન વિભાગ દીપડાને સુરક્ષિત રેસ્ક્યુ કરવા માટે મથામણ કરી રહ્યું છે.

(9:55 PM IST)