News of Friday, 11th July 2025
બાવળા ભાજપના કાર્યકર્તા જીગ્નેશ પંડ્યા પર થયો જીવલેણ હુમલો
હોસ્પિટલમાં દાખલ કરાયાઃઅજાણ્યા શખ્સો દ્વારા છરી અને પાઇપ દ્વારા હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી છે ભાજપ નેતાને બાવળાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે

અમદાવાદ,તા.૧૧
તાજેતરમાં ભાજપના એક નેતા પર જીવલેણ હુમલો થયો છે. વાત જાણે એમ છે કે અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના કોઓર્ડીનેટર જીગ્નેશ પંડ્યા પર જીવલેણ હુમલો થયો છે. બાવળાના જીગ્નેશ પંડ્યા જ્યારે અમદાવાદ તરફથી બાવળા બાજુ આવતા સમયે બુકાની ધારી ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. આ બનાવ સમગ્ર બાવળા તાલુકાના રજોડા ગામના પાટિયા પાસે બન્યો હતો. રજોડા ગામના પાટિયા પાસે અજાણ્યા શખ્સોએ જીગ્નેશ પંડ્યા પર હુમલો કર્યો હતો. આ અજાણ્યા શખ્સોએ જીગ્નેશ પંડ્યા પર છરી અને પાઈપો વડે હુમલો કર્યો હતો. જેમાં જીગ્નેશ પંડ્યા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત ભાજપના કોઓર્ડીનેટર જીગ્નેશભાઈ પંડ્યાને સારવાર અર્થે બાવળા આરોગ્ય કેન્દ્ર માટે ખસેડવામાં આવ્યા હતા.
જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તાજેતરમાં જ અમદાવાદ જિલ્લા યુવા મોરચાના જીગ્નેશભાઈ પંડ્યા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણવાજોગ ફરિયાદ પણ કરી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે થોડા દિવસો પૂર્વે જીગ્નેશ પંડ્યાના લેટરે ચર્ચા જગાવી હતી. કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મતવિસ્તારમાં આવતી સાણંદ વિધાનસભા બેઠકનો ભાગ બનેલી બાવળા નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે.
સ્થાનિક ભાજપના યુવા નેતા જીગ્નેશ પંડ્યાએ પોતાના જ ધારાસભ્ય કનુ પટેલ વિરુદ્ધ ચાર પાનાનો ખખડતો પત્ર લખી રોષ વ્યક્ત કર્યો છે. પત્રમાં તેમણે બાવળાની હાલની પરિસ્થિતિને નરકપાલિકા તરીકે સંબોધી છે અને કનુ પટેલ ઉપર સાણંદ કેન્દ્રિત વિકાસ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જેથી આ સમગ્ર મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો તેમજ બાવળામાં છેલ્લા દસ વર્ષથી વિકાસના કામો ન થયા હોવાનો લેટર લખ્યો હતો. હવે જીગ્નેશ પંડ્યા પર થયેલા હુમલા બાદ સમગ્ર મામલે બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
