News of Friday, 11th July 2025
આંબામહુડા ગામમાં વોટર વર્ક્સ તૂટતા દુર્ઘટના ઘટી
રાજ્યમાં વધુ એક દુર્ઘટનાઃવોટર વર્ક્સ તૂટી પડતા ૯ વર્ષના એક બાળકનું દટાઈ જતાં મોત નિપજ્યું છે વરસાદ પડતાં આ બાળક વોટર વર્ક્સની નીચે ઉભો હતા

વડોદરા,તા.૧૧
વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હજી શોધખોળ ચાલી રહી છે. ૧૭ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે સાબરકાંઠાના પોશીનામાં વધુ એક દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે. પોશિનામાં ૫૦ વર્ષ જૂનો વોટર વર્ક્સ તૂટી પડતા ૯ વર્ષના એક બાળકનું દટાઈ જતાં મોત નિપજ્યું છે. વરસાદ પડતાં આ બાળક વોટર વર્ક્સની નીચે ઉભો હતો. આ દરમિયાન અચાનક વોટર વર્કસ ધરાશાયી થતાં તે દબાઈ ગયો હતો. જ્યાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના પોશીનામાં આંબામહુડા ગામમાં દુઃખદ ઘટના ઘટી છે. ગામમાં તળાવના કિનારે એક ૫૦ વર્ષનો વોટર વર્ક્સ જોખમી સ્થિતિમાં હતો. વરસાદ શરૃ થતાં જ એક ૯ વર્ષનો બાળક વોટર વર્ક્સની નીચે ઉભો હતો. કલ્પેશ પરમાર નામનો આ બાળક સવારે ભેંસ અને ઘેટા બકરા ચરાવવા તાળવની આસપાસ ગયો હતો. વરસાદનું ઝાપટું આવતાં બાળક પાણીફેરી ઓરડી તરફ ગયો હતો. વરસાદના કારણે વોટર વર્ક્સની ઓરડી અચાનક ધસી પડતાં આ બાળક દટાઈ ગયો હતો અને ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું.
૫૦ વર્ષ જૂના આ વોટર વર્કસની હાલત જોખમી હોવા છતાં તેની નોંધ નથી લેવાઈ. આ ઘટના બની ત્યારે અન્ય ચાર બાળકો પણ ત્યાં હાજર હતાં. જેમનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ગામમાં અને બાળકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક ખંડેર બની ગયેલા વોટર વર્કસના ઢાંચાને હટાવવાની માગ કરી છે. મૃતક બાળકના મૃતદેહને પોશીના સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
