<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

અમદાવાદમાં વારાહી માતાના મંદિરની ચોરીનો ભેદ ૨૪ કલાકમાં ઉકેલાયો : ઈસનપુર પોલીસે ૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે બે ચોરને દબોચ્યા!

મુખ્ય સૂત્રધાર સુરેશ ભીલ સહિત સુમિત ભીલની ધરપકડ : ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ પણ ચોરીનું નીકળ્યું : નાણાકીય તંગીને કારણે ગુનો આચર્યાની કબૂલાત : સુરેશ ભીલ અગાઉ ૬ ગુનાઓમાં સંડોવાયેલો : વારાહી માતા ટ્રસ્ટ અને ટેમ્પલ કમિટીએ પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો

અમદાવાદ : અમદાવાદ શહેરના ઈસનપુર ગામમાં આવેલા વારાહી માતાના મંદિરમાં સોમવારે (તા. ૦૮-૦૮-૨૦૨૫) સવારના સાડા પાંચ વાગ્યે થયેલી ચોરીનો ભેદ ઈસનપુર પોલીસે માત્ર ૨૪ કલાકની મહેનતમાં ઉકેલી નાખ્યો છે. મંદિર પરિસરમાંથી દાનપેટી અને ગર્ભગૃહનો દરવાજો તોડી, ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૧.૭૯ લાખની મત્તાની ચોરી કરનારા બે અજાણ્યા ચોરને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ચોરી અંગે મંદિરના ટ્રસ્ટી હિરેનભાઇ પટેલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પીઆઈ બી.એસ.જાડેજા અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સેક્ટર ૦૨, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ અને નાયબ પોલીસ કમિશનર ઝોન ૦૬ રવિ મોહન સૈની દ્વારા આરોપીઓ અંગે માહિતી મેળવી, તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી.
ચોરીનો ભેદ કેવી રીતે ઉકેલાયો?
અમદાવાદ શહેર જે ડિવિઝનના ડીસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ એન.આર.સોલંકી તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ, રાજુભાઈ, દીલજીતસિંહ, સંજયભાઈ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
પૂજારીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, રવિવારે નિત્યક્રમ મુજબ સાંજના પૂજાપાઠ કરીને તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા હતા. ત્યારબાદ ચોરી થયાની જાણ થતા, પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસતા, બે અજાણ્યા ઇસમો રાતના સમયે મંદિરમાં પ્રવેશી, દાનપેટી લઈ જતા અને ગર્ભગૃહમાંથી વસ્તુઓ ચોરીને જતા સ્પષ્ટ દેખાયા હતા.
ઈસનપુર પોલીસ ટીમે મંદિરની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા, જેમાં બંને ઇસમો નારોલ તરફ જતા હોવાનું જણાયું. આ માહિતીના આધારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં ચોરીમાં પકડાયેલા ઇસમોની તપાસ કરવામાં આવી.
આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલની જપ્તી:
તપાસના અંતે, પોલીસે બે આરોપીઓ (૧) સુરેશ રમેશભાઈ ભીલ (ઉં.વ. ૨૭, રહે. નારોલ ગામ, ભીલવાસ, નારોલ, અમદાવાદ શહેર, મૂળ વતન વડગામ, તા. રાણીવાડા, જિ. ઝાલોર, રાજસ્થાન) અને (૨) સુમિત જીતુભાઈ ભીલ (ઉં.વ. ૧૯, રહે. નારોલ ગામ, ભીલવાસ, નારોલ, અમદાવાદ શહેર) ને પકડી પાડ્યા અને તેમની ધરપકડ કરી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા, પરંતુ પોલીસે પોતાની ભાષામાં પૂછપરછ કરતા, બંને આરોપીઓ ભાંગી પડ્યા હતા. તેમણે દાનપેટી અને મંદિરના ગર્ભગૃહમાંથી ચોરી કરેલો તમામ મુદ્દામાલ તેમજ ગુનામાં વાપરેલી મોટરસાયકલ સહિત કુલ રૂ. ૨,૨૩,૯૫૦/- નો મુદ્દામાલ રજૂ કર્યો, જે પોલીસે કબજે કર્યો છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરતા, જાણવા મળ્યું કે આરોપી સુરેશ રમેશભાઈ ભીલ આ ચોરીનો મુખ્ય સૂત્રધાર છે. તે ભૂતકાળમાં પણ કાગડાપીઠ, દાણીલીમડા અને મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ૩ ઘરફોડ ચોરી, ૨ પ્રોહિબિશન અને ૧ છેડતી-મારામારી સહિત કુલ ૬ ગુનાઓમાં પકડાયેલો છે. આરોપીઓએ હાલમાં મજૂરી કામ ન મળતું હોવાથી આર્થિક જરૂરિયાત માટે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
વધુ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી કે આરોપીઓ દ્વારા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પણ પ્રહલાદનગર વિસ્તારમાંથી ચોરી કરેલું હતું, અને આ બાબતે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે વાહનચોરીનો ગુનો પણ નોંધાયેલો હતો. આમ, ઈસનપુર પોલીસે આ કાર્યવાહી દ્વારા એક ઘરફોડ ચોરી અને એક વાહનચોરી મળી, કુલ ૨ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
વારાહી માતા ટ્રસ્ટ અને વારાહી માતા ટેમ્પલ કમિટીએ ઈસનપુર પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ.જાડેજા અને તેમની સાથે ફરજ બજાવતા તમામ સ્ટાફનો ૨૪ કલાકની મહેનતે ચોરને પકડીને સફળ કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

 

(10:56 PM IST)