News of Friday, 11th July 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લોહીલુહાણ હાલત ;ભયાવહ સ્થિતિ છતાં ટ્રક ડ્રાઈવરની વીરતા : જીવ બચાવવા ગજબનો જુસ્સો
ટ્રકનો કાચ તોડીને પોતાનો જીવ બચાવ્યો: અત્યંત જોખમમાં હોવા છતાં, ગણપતસિંહે એક હાથ અને એક પગની મદદથી નરેન્દ્રસિંહને અદમ્ય હિંમત અને પ્રયાસ કરી નરેન્દ્રસિંહને મોતના મુખમાંથી બહાર કાઢ્યા

મહીસાગર નદી પર બનેલી ભયાનક મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જ્યાં અનેક લોકો માટે સમય થંભી ગયો હતો, ત્યાં ઉદયપુર જિલ્લાના ખેડા ગામના ગણપતસિંહ રાજપૂત નામના એક સામાન્ય ટ્રક ડ્રાઈવરે અસાધારણ સાહસ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
દુર્ઘટના સમયે 40 વર્ષના ગણપતસિંહની ટ્રક પણ પુલ સાથે નદીમાં ખાબકી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આટલી ભયાવહ સ્થિતિમાં પણ, તેમણે હિંમત ન હારી અને ટ્રકનો કાચ તોડીને પોતાનો જીવ બચાવ્યો. પરંતુ તેમનું સાહસ અહીં અટક્યું નહીં. તેમની નજર નદીના પ્રવાહમાં વહી રહેલા નરેન્દ્રસિંહ પરમાર પર પડી. પોતાની જાત અત્યંત જોખમમાં હોવા છતાં, ગણપતસિંહે એક હાથ અને એક પગની મદદથી નરેન્દ્રસિંહને બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. તેમની આ અદમ્ય હિંમત અને પ્રયાસના કારણે નરેન્દ્રસિંહને મોતના મુખમાંથી બહાર કાઢી શકાયા હતા.
જોકે, ઈજાગ્રસ્ત નરેન્દ્રસિંહનું ત્રણ દિવસની સારવાર બાદ દુર્ભાગ્યપૂર્ણ નિધન થયું હતું, પરંતુ ગણપતસિંહનો આ પ્રયાસ, તેમની ભાવના અને જીવ બચાવવાની જીજીવિષા ખરેખર પ્રશંસનીય છે. તેમને એ વાતની પીડા આજે પણ સતાવે છે કે અન્ય દુર્ઘટનાગ્રસ્તો મદદ માટે જોઈ રહ્યા હતા, પરંતુ પોતાની સ્થિતિને કારણે તેઓ ત્યાં પહોંચી શક્યા નહીં.
ગણપતસિંહ જે દહેજથી કંડલા બંદર ટેન્કર ટ્રકમાં સલ્ફયુરિક એસિડ લઈને જઈ રહ્યા હતા. પરંતુ મુજપુર-ગંભીરા બ્રિજ પર બનેલી એક ગોઝારી ઘટનાએ તેમના જીવનમાં અણધારી આફત સર્જી હતી. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, તેમ છતાં તેમણે જે અદમ્ય સાહસ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, તે ખરેખર પ્રેરણાદાયક છે.
રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ગણપતસિંહ સોલંકીએ પાણીમાં તણાઇ રહેલા દિલીપસિંહનો જીવ બચાવ્યો હતો. પોતાનો એક પગ તૂટી ગયો હોવા છતાં બીજો પગ લાંબો કરીને દિલીપસિંહ રાજપુતને મદદ કરી જીવ બચાવ્યો હતો. ગણપતસિંહ સોલંકી દહેજ થી ટ્રક લઈ મુન્દ્રા જતા હતા. ત્યારે બ્રિજ દુર્ઘટનામાં તે પણ ટ્રક સાથે નદીમાં પડ્યા હતા. જોકે ટ્રકનો કાચ તોડીને બહાર નીકળેલા ગણપતસિંહ સોલંકી બ્રિજના પીલ્લર પર ચડી ગયા હતા તે દરમ્યાન દિલીપસિંહ પાણી માં તણાઇ રહ્યા હતા તે જોઈ ને ગણપતિસિહે પોતાનો સાજો પગ લાંબો કરી ને બચાવી લીધા હતા.
ગણપતસિંહની આ વાત માત્ર એક વીરતાની ગાથા નથી, પરંતુ એ સત્યનું પ્રતિબિંબ છે કે સાચી વીરતા ફક્ત કોઈ ચમત્કારિક કાર્યમાં નથી, પણ પોતાના દુઃખ અને મુશ્કેલીઓ વચ્ચે પણ બીજાના દુઃખમાં સહાયરૂપ થવાની શક્તિમાં રહેલી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
